મિની વાવાઝોડાથી ભારે નુક્સાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં અચાનક બે દિવસથી વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. રાજ્યમાં ચણા, રાયડો, ઈસબગુલ, વરીયાળીના પાકને નુકસાન પહોંચ્યુ છે, આ ઉપરાંત કેરી અને શાકભાજીના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. રાજ્યમાં ખેડૂતોને માવઠાએ રાતા પાણી રડાવ્યા છે. અચાનક માવઠુ થતાં ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળેલા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં મોટા ભાગના પાકોને મોટુ નુકસાન મિની વાવાઝોડા અને માવઠાથી થયુ છે, બરબાદીના વરસાદે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોના ખેડૂતોને પાયમાલ કર્યા છે. ચણા, રાયડો, ઈસબગુલ, વરીયાળીના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે કેરીના પાકને પણ નુકસાન થયુ છે, કમોસમી વરસાદથી શાકભાજી સાથે સાથે અન્ય શિયાળુ પાક પણ પલળી જતાં નુકસાનીની ભીતિ છે. અરવલ્લીના મેઘરજમાં પણ માવઠાએ ચિંતા વધારી છે અહીં બસ સ્ટેશન વિસ્તાર, અંબાવાડી સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતાં બાગાયતી સહિતની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો, હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે માવઠું થતાં ખેડૂતો નુકસાનની આશંકાથી ચિંતામાં મૂકાયા છે. કારણ કે શિયાળું પાક તૈયાર થઇ ગયો હોય પરંતુ હજું ખેતરમાં જ હોય તેવો પાક પલળતા ખેડૂતોની ચિંતા વધી છે. ગોધરા સહિતના વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોની મુશ્ર્કેલીમાં વધારો કર્યો છે. ખાસ કરીને ફળોની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું છે. કાચી કેરીઓ ખરી જતાં પારવાર નુકસાન થયું છે. આ ઉપરાંત ખેડૂતો ચિંતિત છે કારણ કે, વરિયાળી, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવતીકાલ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે, આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે.
ભરઉનાળે ચોમાસું માવઠાં સાથે વાવાઝોડું
શહેરમાં દોઢ ઈંચ વરસાદથી મનપાની ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ: નવા રસ્તા ધોવાયા
- Advertisement -
રાજકોટમાં 20 વીજપોલ જમીનદોસ્ત, 53 ફિડર બંધ: 37 વૃક્ષ ધરાશાયી
રંગીલા રાજકોટના હવામાનમાં આજે એક્સટ્રીમ લેવલનો પલટો જોવા મળ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ જાણે ચોમાસું બેઠું હોય તેમ વાવાઝોડા જેવા ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માર્ચ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક ત્રાટકેલા મિની વાવાઝોડા અને કરા સાથેના વરસાદે રાજકોટવાસીઓને વર્ષ 1911ની યાદ અપાવી દીધી છે. હવામાન વિભાગ મુજબ 115 વર્ષ બાદ માર્ચ મહિનામાં આટલો ભયાનક વરસાદ નોંધાયો છે. શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં 20 જેટલા વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે, જેના કારણે 53 જેટલા ફિડરો બંધ થઈ ગયા હતા. ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામમાં કુદરતનો કહેર ત્રાટક્યો હતો. અહીં વીજળી પડવાની ઘટનામાં માતા અને તેમના બે પુત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટ એરપોર્ટ પર ‘ઝીરો વિઝિબિલિટી’ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિમાન લેન્ડ કરવું અશક્ય બનતા ફ્લાઈટને અન્યત્ર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડમાં 150 ગુણી મગફળી પલળી ગઇ
60 કિમીની ઝડપે પવન ફૂંકાયો: ઝીરો વિઝિબિલિટી થતા ફલાઇટ ડાયવર્ટ કરાઇ: ભારે પવનને કારણે નાના મવા પાસેની મસાલા માર્કેટમાં મંડપ પડી ગયા
ઉપલેટાના પ્રાંસલામાં વીજળી પડતા માતા અને બે પુત્રને ઇજા, સારવાર હેઠળ
વરસાદની સાથે જ શહેરમાં મોટા કદના બરફના કરા પડવાનું શરૂ થતા લોકોમાં આશ્ર્ચર્ય સાથે ફાળ પડી હતી. ભારે પવનને કારણે રહેણાંક વિસ્તારોમાં લાગેલી સોલાર વોટર પેનલો પણ ટકી શકી નહોતી અને તેના ભાગો તૂટીને રસ્તા પર પડ્યા હતા. આ અણધારી આફતે મનપાના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે. કરોડોના ખર્ચે બનેલા નવા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ, માર્કેટિંગ યાર્ડમાં પડેલી જણસીઓ પલળી જતાં અને ખેતરોમાં ઉભેલા પાક પર કરા પડતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.



