2018માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.5
મૂળ અમરેલી જિલ્લાના અને હાલમાં રાજકોટમાં રહેતા વિપુલભાઈ બોકરવાડિયા જ્યારે 2 વર્ષના હતા ત્યારે પોલીયોના કારણે તેમના બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી.વિપુલભાઈને નાનપણથી કંઈક કરવાની ઈચ્છા હતી.જેથી તેમને પોતાની વિકલાંગતાને જ તાકાત બનાવીને તેઓ આત્મનિર્ભર બન્યા છે. વિપુલભાઈ અંબિકા ટાઉનશીપમાં રહે છે અને વેબ ડિઝાઈનિંગ કરે છે.નાનપણથી જ તેમને નક્કી કરી લીધુ હતું કે તેઓ એવું કંઈક કરશે તેમના જીવનમાં જેનાથી લોકોને પ્રેરણા મળે.વિપુલભાઈ પહેલી વખત 2012માં તેમના 5 મિત્રો સાથે ગિરનાર ચડવા માટે ગયા હતા.પછી તેઓ વર્ષ 2018માં જ્યારે ચોથી વખત ગિરનાર ચડવા માટે ગયા ત્યારે તેમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
- Advertisement -
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા વિપુલભાઈને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.વિપુલભાઈ પગથી 80 ટકા વિકલાંગ હોવા છતાં તેઓ અત્યાર સુધીમાં 9 વખત ગિરનાર ચડ્યો છે.તેઓએ ક્યારેય રોપ-વે કે અન્ય વસ્તુનો સહારો લીધો નથી.તેઓ પગથિયા ચડીને જ ગિરનાર ચડે છે. તેઓ 9 વખતમાઁથી 2 વખત દતાત્રેય સુધી અને 7 વખત અંબાજી સુધી તેઓ ગિરનાર ચડ્યા છે.જ્યારે તેઓ ગિરનાર ચડવા જાય છે.ત્યારે તેમના મિત્રો તેમની સાથે હોય છે અને તેમને મનોરંજન પણ પુરૂ પાડે છે.જ્યારે જ્યારે તેઓ ગિરનાર ચડવા જતા તેમ તેમ તેમના મિત્રો વધતા ગયા એટલે તેઓએ લોકો માટે કંઈક કરવાની વિચારણા કરી.
વિપુલભાઈ અને તેમના મિત્રોએ મળીને જય ગિરનારી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.આ ટ્રસ્ટ દર મહિને ગરીબ બાળકોને ફુડ પેકેટ આપે છે અને ગૌશાળામાં નીણ પણ આપે છે.કોઈ આર્થિક રીતે નબળા હોય તો તેમને રાશન કિટ પણ આપવામાં આવે છે.ગરીબ લોકોની જે પણ જરૂરિયાત હોય તે પુરૂ પણ પાડે છે. વિપુલભાઈ કહે છે કે પહેલા તો મારા સંબંધીઓએ મને ના પાડી હતી. પણ મે મારૂ મન મક્કમ રાખ્યું હતું અને હું ગિરનાર ચઢવા માટે ગયો હતો. હું 2 વખત દત્તાત્રેય અને 7 વખત અંબાજી જઈ આવ્યો છું અને જ્યાં સુધી મારુ શરીર કામ કરશે ત્યાં સુધી હું ગિરનાર દર્શન માટે જઇશે.
વિપુલભાઈ દરેક લોકોને કહે છે કે માણસનું શરીર વિકલાંગ હોય શકે છે પણ માણસનો આત્મા વિકલાંગ ન હોય શકે.જો તમારૂ મનોબળ મજબુત હોય તો તમે દુનિયાના કોઈ પણ પડાવને પાર કરી શકો છો.બસ જીવનમાં ક્યારેય હિંમત હારવી નહીં.મારૂ મોટિવ તો દિવ્યાંગ લોકો માટે જ છે, કે પગની અપંગતા હોય તો કેટલી બધી ચેલેન્જો સામે આવે છે. હું એમ નથી કહેતો કે તેઓ ગિરનાર ચડે. પણ તેઓ જે પણ ફિલ્ડમાં હોય ત્યાં આગળ વધવુ જોઇએ. મન મક્કમ હોય તો આપણે જીનમાં ગમે તે કરી શકીએ છીએ.



