કચ્છમાં માતાના મઢેથી પણ રથનો પ્રારંભ, વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ સામે શરૂ કરાયેલા રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે આજે રાજકોટ ખાતે આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.રાજ્યમાં કુલ સાત ધર્મરથ કાઢવાની ક્ષત્રિય સમાજે જાહેરાત કરી હતી. તેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના રથનું બે દિવસ પહેલા જ પ્રસ્થાન કરાવાયું હતું. જ્યારે આજે રાજકોટ અને કચ્છમાં ધર્મરથના પ્રસ્થાન કરવામાં આવ્યા હતાં. આ ધર્મરથ વિવિધ વિસ્તારોમાં તા.1 મે સુધી પરશે અને ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરનાર છે.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરવા માટે ધર્મરથનું આયોજન કર્યું છે.
જેમાં ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક ધામા મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આજે સવારે સાડા નવ વાગ્યે રાજકોટનાં પેલેસ રોડ પર આવેલ સુપ્રસિધ્ધ આશાપુરા મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજનાં ધર્મરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજનાં મહિલાઓ અને યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ધર્મરથ આજે સીધો જ વાંકાનેર તાલુકાના ગામડાઓમાં ફરશે ત્યારબાદ 25-4-2024નાં મોરબી અને ટંકારા તાલુકામાં ફરશે. 26-4-2024નાં પડધરી તાલુકા, 27-4-2024 લોધિકા તાલુકા, 28-4 કોટડાસાંગાણી તાલુકો, 29-4 રાજકોટ તાલુકો અને 30-4-2024નાં જસદણ વિંછીયા તાલુકા અને 1-5-2024ના રાજકોટ શહેરના વિસ્તારોમાં આ ધર્મરથ ફરશે. રાજકોટની સાથોસાથ કચ્છમાં પણ અસ્મિતાની લડાઈ સંદર્ભે આજે ક્ષત્રિય અસ્મિતા રથનું માતાના મઢ ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
માતાના મઢથી ધર્મરથ આજે આખો દિવસ અબડાસા તાલુકામાં અને નખત્રાણા તાલુકામાં ફરશે જેમાં બપોરે જંગડીયા, રામપર, નલીયા, કોઠારા, મોથાળા, રામપરા, નખત્રાણામાં રાત્રિ રોકાણ કરશે. આવતીકાલથી કચ્છનો ધર્મરથ ભૂજ, માંડવી, મુંદ્રા સહિતના તમામ તાલુકાઓમાં સાત દિવસ સુધી ફરશે અને ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે. આ ધર્મરથમાં સર્વે સમાજનાં લોકોને જોડાવવા શ્રી રાજપૂત કરણી સેના કચ્છ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા અને રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. લોકશાહી બચાવો અને અસ્તીત્વ ટકાવોના નારા સાથે ધર્મરથ જુદા જુદા તાલુકાઓમાં ફરશે.
- Advertisement -
સંકલન સમિતિનો કોઈ સભ્ય ભાજપમાં જોડાશે નહીં : કરણસિંહ
અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફ્રરન્સને સંબોધતા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે રાજકોટમાં આશાપુરા મંદિરથી ધર્મ રથનો પ્રારંભ થયો છે. 25 એપ્રિલે અંબાજીમાં માતાજીને ધજા ચઢાવાશે. અંબાજીથી 1 હજાર ગાડીના કાફલા સાથે ધર્મ રથ નીકળશે. બનાસકાંઠા, પાટણના ગામડાઓમાં ધર્મ રથ ફરશે. ક્ષત્રિય આગેવાનો ભાજપમાં જોડાયાના અહેવાલ પર તેમણે સ્પષ્ટતા કરી હતી.
ભાજપના જોડાવાની વાત ભ્રામક અને ખોટી છે. સંકલન સમિતિના સભ્યો ભાજપમાં જોડાશે તે ખોટી વાત છે. અમારા કોર કમિટીના સભ્યો તમામ કમિટીના માન્ય સભ્યો છે. 10-12 લોકો ભાજપ સમર્પિત હોય તેમની સમિતિ બનાવી તેમને બોલાવી જાહેરાત કરાય છે. જિલ્લા કક્ષાએ અમુક લોકોએ સમિતિ બનાવીને જાહેરાત કરી હશે તો એ એમનો પ્રશ્ન છે. સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય ભાજપમાં જોડાયા નથી.