સપ્તાહમાં એક સાથે ડેંગ્યુના 9 કેસ આવ્યા હોય તેવું ચાલું વર્ષે પહેલીવાર બન્યું: હજુ વધારો થશે !
શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઊલટીના દર્દીઓથી ઉભરાતાં દવાખાના-હોસ્પિટલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વરસાદ પણ મન મુકીને વરસતો ન હોય પરંતુ રોગચાળો વકરવામાં જરા પણ પાછીપાની કરી રહ્યો નથી. સૌથી વધુ ચિંતા ડેંગ્યુ અને ટાઈફોઈડના રોગચાળાએ માથું ઉંચકતાં થવા લાગી છે. આ બન્ને રોગનો હાહાકાર હોય તેવી રીતે સપ્તાહમાં 15 દર્દી નોંધાતાં તંત્ર દોડતું થઈ ગયું છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે તા22થી 29 જૂલાઈ સુધીમાં ડેંગ્યુના નવ કેસ નોંધાયા છે. આ સાથે જ ચાલું વર્ષે એક સપ્તાહમાં ડેંગ્યુના આટલા કેસ એક સાથે આવ્યા હોય તેવું પ્રથમવખત બન્યું છે. જો કે આવનારા સમયમાં હજુ ડેંગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ જ રીતે ટાઈફોઈડ તાવના કેસમાં પણ વધારો થયો છે અને સાત દિવસમાં તેના પણ 6 કેસ નોંધાયા છે. આ પાછળ ભેળસેળયુક્ત ખાનપાનનું સેવન તેમજ ઉકાળ્યા વગર પાણી પીવા સહિતના પરિબળો જવાબદાર છે. બીજી બાજુ મિશ્ર વાતાવરણને લીધે શરદી-ઉધરસના વધુ 1106, સામાન્ય તાવના 452 અને ઝાડા-ઊલટીના 515 કેસ નોંધાયા છે. એકંદરે પાછલા સપ્તાહે નોંધાયેલો રોગચાળો બે હજારને પાર કરી જતાં તંત્રની સાથે જ લોકોના શ્વાસ પણ અધ્ધર ચડી ગયા છે.
- Advertisement -
મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું કે વરસાદી માહોલ ઉપરાંત ભેજયુક્ત વાતાવરણને લીધે મચ્છરોના લારવા અને ઈંડામાં સતત વધારો થાય છે. ચોખ્ખાઈના અભાવને કારણે મચ્છરોને ઉત્પતિ માટે મોકળું મેદાન મળી રહ્યું છે અને પછી આ જ મચ્છર લોકોને ડંખ મારીને બીમાર કરી રહ્યા છે. આવનારા સમયમાં ડેંગ્યુના કેસમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે. આ જ રીતે ટાઈફોઈડ પાણીજન્ય રોગચાળો હોય ઉકાળ્યા વગરનું પાણી પીવા સહિતના કારણે આ રોગચાળો વકરી રહ્યો છે. રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ અત્યારે દર્દીઓથી રીતસરની ઉભરાઈ રહી છે. સિવિલમાં અત્યારે દરરોજ 3000થી વધુ દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે અને છેલ્લા એક મહિનામાં જ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઊલટીના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. જૂન મહિનાના અંતથી શરૂ કરી જૂલાઈના અંત સુધીમાં સિવિલમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.