અંદાજે 150 ચો.મી. જમીન ખુલ્લી કરાવતી ટાઉન પ્લાનીંગ શાખા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર નાયબ કમિશનર એચ. આર. પટેલ તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 3માં ટી.પી. સ્કીમ અમલીકરણ અન્વયે અનઅધિકૃત બાંધકામ દૂર કરવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. જે અંતર્ગત શહેરના ત્રણ વોર્ડમાંથી અંદાજે 150 ચો.મી. અને રૂા. 30000 પ્રતિ ચો.મી.ની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
વોર્ડ નં. 3 ટી.પી. સ્કીમ નં. 38-1 (માધાપર)માં માધાપર તાલુકા સ્કૂલવાળો 15.00 મીટર ટી.પી. રોડ પર આવેલ અનઅધિકૃત 4 રહેણાંક મકાન, કંપાઉન્ડ દિવાલનું બાંધકામ દૂર કર્યા, વોર્ડ નં. 3 ટી.પી. સ્કીમ નં. 38-1 (માધાપર)માં સ્પેસ એપાર્ટમેન્ટની પાછળ આવેલા 18.00 મીટર ટી.પી. રોડ પર આવેલા અનઅધિકૃત 8 રહેણાંક મકાન અને કમ્પાઉન્ડ દિવાલ દૂર કર્યા અને વોર્ડ નં. 3 ટી.પી. સ્કીમ નં. 19 (રાજકોટ) સાધુ વાસવાણી કુંજ રોડ પર અનામત પ્લોટ નં. 16-એ રહેણાંક વેચાણના પ્લોટમાં બાપા સીતારામ મંદિરનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આમ અંદાજે 150 ચો.મી. અને રૂા. 30,000 પ્રતિ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.



