ગીગાભાઈ ભમ્મરના વિરૂદ્ધમાં કલેકટરને આવેદન પાઠવતો સમસ્ત આહિર સમાજ
ખાસ-ખબર સંવાદદાતા
થોડા દિવસ પહેલાં તળાજા ખાતે ગઢવી સમાજ વિરૂદ્ધ બેફામ વાણી-વિલાસ કરનાર ગીગાભાઈ ભમ્મર સામે કડક કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત આહીર સમાજ દ્વારા આજરોજ કલેકટર કચેરીએ આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં તળાજા ખાતે આહીર સમાજના એક કાર્યક્રમમાં ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ ગઢવી સમાજ વિરૂદ્ધ તેમજ આઈ મા જગદમ્બા શ્રી સોનલબાઈ અને માતાજીઓ વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું એ અયોગ્ય છે. રાજકોટ આહીર સમાજ ચારણ ગઢવી સમાજની સાથે છે એમના સમર્થનમાં છે અને ચારણ ગઢવી સમાજને તેમજ આહીર સમાજને યુગોયુગના મામા-ભાણેજના સંબંધો છે. આ સંબંધોમાં અને બંને સમાજમાં તિરાડ પડે અને વૈમનસ્ય સર્જાય એવું કાર્ય ગીગાભાઈ નામના વ્યક્તિએ કર્યું છે. જેનાથી રાજકોટ આહીર સમાજ આ વ્યક્તિના નિવેદનનો તેના ભાષણનો અને ચારણ સમાજ વિરૂદ્ધ જે શબ્દપ્રયોગ કર્યો છે એનો ખુલ્લો વિરોધ નોંધાવે છે. ચારણ ગઢવી સમાજને અમો અપીલ કરીએ છીએ આવા છીછરા માણસો જે છીછરી માનસિકતા ધરાવે છે જે ચારણ સમાજ નહીં આહીર સમાજના પણ વિરોધી છે તો આવા લોકોને આહીર સમાજ ક્યારેય સ્વીકારે જ નહીં ચારણ ગઢવી સમાજે આહીર સમાજને હંમેશા મામાનું બિરૂદ આપ્યું છે. આહીરોના ઈતિહાસને ઈતિહાસના પાના પર જીવંત રાખ્યા છે. માન, મોભો, પ્રતિષ્ઠા અપાવ્યા છે. ચારણ ગઢવી સમાજ અમારા માટે પવિત્ર અને પૂજનીય સમાજ છે. આહીરના આ એક વ્યક્તિના લીધે સમસ્ત આહીર સમાજ સ્તબ્ધ છે આમ બેફામ બોલવા બદલે આજરોજ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.