જૂનાગઢમાં ‘અશાંત ધારો’ લાગુ કરવા હિન્દુ સમાજની બેઠક યોજાઈ
આગામી 20મી ઓગસ્ટે કલેક્ટરને આવેદનપત્ર અપાશે
સામાજિક સમરસતા જાળવવા ‘અશાંત ધારા’ની આવશ્યકતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ શહેરમાં વધી રહેલા ધાર્મિક તણાવ અને અમુક વિસ્તારોમાં થતી વસતીના માળખામાં ફેરફાર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ’અશાંત ધારો’ લાગુ કરવાની માંગણીએ જોર પકડ્યું છે. આ મુદ્દે હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા અને સરકાર સમક્ષ એકસંપ થઈને રજૂઆત કરવા માટે જોષીપરા વિસ્તારના સૂર્યમંદિર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો અને વિવિધ હિન્દુ સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શહેરના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાએ ઘણા સમયથી આ મુદ્દે સરકાર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો કરી રહ્યા છે. તેમણે અને અન્ય આગેવાનોએ જણાવ્યું કે શહેરના ખામધ્રોળ રોડ, જોષીપરા સહિતના અનેક વિસ્તારોમાંથી અશાંત ધારા માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે અશાંત ધારો લાગુ કરવાની માંગને વધુ અસરકારક બનાવવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ નિર્ણય મુજબ, આગામી તારીખ 20 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 4 વાગ્યે જૂનાગઢનો સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થશે. આ રેલી સરદાર બાગ, ઝાંસીની રાણી સર્કલ પાસેથી શરૂ થશે અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી જશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના લોકોને આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કરવાનો હતો. બેઠકમાં હાજર રહેલા આગેવાનોએ સમાજના લોકોને અપીલ કરી કે, ચાલો, આપણે હિન્દુ સમાજ એક થઈને જૂનાગઢમાં અશાંત ધારાના આવેદનપત્ર આપવામાં જોડાઈએ અને આ માંગણીને વધુ મજબૂત બનાવીએ. આ રેલી દ્વારા જૂનાગઢના હિન્દુ સમાજની એકતા અને તેમની માંગણી પ્રત્યેની ગંભીરતાનો સંદેશો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ બેઠકમાં મેયર ધર્મેશ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન હરેશ પરસાણા, વિપક્ષ નેતા લલીત પરસાણા તેમજ સુર્ય મંદિરના મહંત અને નિર્ભય પુરોહીત, યોગીભાઇ પઢીયાર, અશોકભાઇ ભટ્ટ સહિતના હિન્દુ હિતરક્ષક સમિતિના આગેવાનો અને ખામધ્રોળ વિસ્તારના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અશાંતધારો લાગુ કરવાની બુલંદ માંગણી કરી હતી.
‘અશાંત ધારો’ શું છે?
ગુજરાત સરકારે વર્ષ 1991માં ધ ગુજરાત એરિયાઝ (ટ્રાન્સફર ઓફ ઇમ્યુવેબલ પ્રોપર્ટી) એક્ટ-1991 લાગુ કર્યો હતો, જે સામાન્ય રીતે ’અશાંત ધારા’ તરીકે ઓળખાય છે. આ કાયદા હેઠળ, રાજ્ય સરકાર નોટિફાઈડ કરેલા વિસ્તારોમાં અમુક નિયમો લાગુ પાડે છે. આ નિયમો અનુસાર, કોઈ પણ વ્યક્તિ મિલકતનું વેચાણ, દાન, અથવા લીઝ પર આપતા પહેલાં જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. આ કાયદાનો મુખ્ય હેતુ કોમી તંગદિલીવાળા વિસ્તારોમાં મિલકતોના વેચાણને નિયંત્રિત કરી વસતીના માળખામાં અસંતુલન થતું અટકાવવાનો છે. જૂનાગઢમાં આ કાયદો લાગુ કરવાથી શહેરની સામાજિક સમરસતા જળવાઈ રહેશે તેવી સમાજની અપેક્ષા છે.