જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત પ્રકરણમાં કોળી સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી: મહિલાની આરોપીઓ સાથેની ઘટના પહેલાંની ચેટ તેમજ વિડીયો સહિતના પુરાવા મીડિયાને આપ્યા
જેતપુરમાં 3 પોલીસના ત્રાસથી જ ફાંસો ખાધાનો પરિવારનો દાવો છતાં ગુનો નોંધાતો નથી: મંત્રી કુંવરજી બાવળિયાએ તપાસનાં આદેશ આપ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં ક્ષત્રિય કોળી સેનાના પ્રમુખે મૃતક ત્રણ કોન્સ્ટેબલ ત્રાસના કારણે મહિલાએ આપઘાત કર્યાના પુરાવા રૂપ મોબાઈલના ચેટ જાહેર કર્યા હતાં. અને પુરતા પુરાવા હોવા છતાં આરોપી પોલીસ કોન્સ્ટેબલને તપાસનીશ અધિકારી છાવરતા હોવાના આક્ષેપ કર્યા હતાં. તેમજ આરોપીઓ સામે ગુનો નોંધવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. છ દિવસ પૂર્વે મહિલા કોન્સ્ટેબલ દયા સરિયાએ પોલીસ લાઈનમાં તેમના ક્વાર્ટરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનું આરોપીઓના નામ સાથેનું નિવેદન અને આવેદન બંને પોલીસને આપ્યું છતાં હજુ કોઈ સામે પોલીસે ગુનો નોંધ્યો નથી.
જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દયાબેન શંભુભાઈ સરીયા નામની મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. તેમજ બે દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સાથે પણ મંત્રણા કરી હતી. તેમજ પોલીસને કડક સુચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં આજે 6 દિવસ થયેલ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ના કરતા આજે કોળી સમાજના ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર, હિતેશ ઠાકોર તેમજ આશિષ મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જેતપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પોલીસ આપઘાતની વાત પણ છુપાવી હતી. પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે. થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવેલી હતી. તેણીને ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. તેણીએ આપઘાત કરતા પૂર્વે કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો. તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહી છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા.
પરિવારજનો અને જ્ઞાતિ આગેવાનો સાથે એસપી તેમજ જેતપુર પોલીસને ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યો હોવાનું આવેદનપત્ર આપેલ છે. તેમજ દયાબેન કોળી જ્ઞાતિના હોય અને જસદણના શિવરાજપુર ગામના વતની હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો દયાબેનના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી. ત્યાર બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા પોલીસ પર પણ આક્ષેપો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસ સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયત્નો કરતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. કોળી સમાજના આગેવાનોએ 24 કલાકનું પોલીસને અલ્ટીમેટમ આપેલ છે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર તેમજ ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે કેન્ડલ માર્ચ યોજી રોષ વ્યક્ત કરાયો
જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે તેમના ક્વાર્ટરમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનું આરોપીઓના નામ સાથેનું નિવેદન અને આવેદન બંને પોલીસને આપ્યું હતું. છતાં હજુ કોઈ સામે પોલીસે ગુન્હો નોંધ્યો નથી. જેથી તપાસનીશ અધિકારી આરોપી કોન્સ્ટેબલોને છાવરી રહી હોવાના આક્ષેપ સાથે કોળી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.