મૂહુર્ત સમયે ચાર પાંચ ખેડૂતોને બોલાવી ખરીદી દર્શાવી હોવાના આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનને લઈને ખેડૂતોને મળતી નુકશાની વેઠવી પડી છે જેમાં કપાસ અને મગફળીને મોટું નુકશાન હોવાનો અંદાજ લગાવી શકાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગત 11 નવેમ્બરના રોજ મગફળીની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કરી દૂધ બાદ મોટાભાગે ખેડૂતોની મગફળી ખરીદી કરવાની કામગીરી બંધ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જેમાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ મગફળીની ખરીદી બંધ કરતા ખેડૂતોને ધરમના ધક્કા થાય છે.ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે ગત તારીખ 11 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા 1365 રૂપિયા પ્રતિ મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઈ હતી જે બાદ ગત તારીખ 14 નવેમ્બરના રોજ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ચારથી પાચ ખેડૂતોને મગફળી ખરીદીના મુહુર્ત માટે બોલાવી ફોટો સેશન કરી ત્યાર બાદથી આજદિન સુધી મગફળીની ખરીદી કરાઈ નથી. જ્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ કરતા ખેડૂતોને આ મગફળી બજારમાં વેચાણ કરવા માટે મજબૂર બન્યા છે અને બજારમાં વેપારી માત્ર એક હજાર રૂપિયા પ્રતિ મણ મગફળીની ખરીદી કરે છે જેથી ખેડૂતોને નુકશાન જાય છે જેથી ખેડૂતોને વરસાદના લીધે થયેલ નુકશાન બાદ બચેલી મગફળી વેચાણ કરવામાં પણ મોટી નુકશાની આવે છે. જેને લઇ ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરવા માંગ કરાઇ છે.