રાક્ષસી માનસ ધરાવતાં સમીર પટેલને બેટ દ્વારકા ટ્રસ્ટમાંથી કાઢો
બેટ દ્વારકા મંદિરની અવ્યવસ્થા અંગે બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લઠ્ઠાકાંડમાં જેમનું નામ સંડોવાયેલું છે તેવા બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીની જોહુકમી અને નાણાકીય ગેરરીતિ તથા બ્રાહ્મણોના અપમાન બદલ અવારનવાર રજૂઆતો છતાંય આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં વધુ એકવાર શ્રી બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિ બેટના અગ્રણીઓ પ્રમુખ અજયભાઈ રાઠોડ, ઉપપ્રમુખ અતુલભાઈ ભટ્ટ, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઠાકર, ટ્રસ્ટી તરૂણભાઈ પાઢ તથા બુધાભા ભાટી દ્વારા દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારીને વિસ્તૃત આવેદન પાઠવી બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલને બરતરફ કરવાની માંગણી કરી છે. લાખો લોકો માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના બંધારણ નં.દ.મુ.નં. 15/1959 મુજબ ગુન્હાઈન કૃત્યમાં કોઈની સંડોવણી થાય તો જે-તે વ્યક્તિ આપોઆપ મંદિરના ટ્રસ્ટીપદેથી બરતરફ થઈ જાય ત્યારે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ સમીર પટેલનું નામ બરવાળા લઠ્ઠાકાંડમાં સંડોવાયેલું છે, પોલીસ દ્વારા પણ તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે તે જોતાં તેઓ ટ્રસ્ટના બંધારણ મુજબ બરતરફ જ થઈ જાય જે વાતનો સત્વરે અમલ કરવા આવેદનમાં જણાવાયું છે. રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે સમીર પટેલ દ્વારા મહેમાનોની હાજરીમાં ગુગળી બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું હતું. ‘બ્રાહ્મણ લોકો ચોર છે’ તેવા અપમાનજનક શબ્દો જાહેરમાં ઉચ્ચારવામાં આવ્યા હતા, જે બાબતે માફી માંગવાનો પણ સમીર પટેલ ઈન્કાર કરી રહ્યા છે. બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટના ઉપપ્રમુખપદે સમીર પટેલના આગમન બાદ યાત્રાળુઓની હેરાનગતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ પ્રાચીનત્તમ મંદિરના વિકાસાર્થે મળતી ગ્રાન્ટનો પણ દુરૂપયોગ સમીર પટેલ અને તેના મળતીયાઓ દ્વારા થઈ રહ્યાનું રજૂઆતમાં જણાવાયું છે. બેટ દ્વારકા તિર્થ ભારતભરમાં વિખ્યાત છે. રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા આ સ્થળના વિકાસ માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિના અગ્રણીઓ અજયભાઈ રાઠોડ, અતુલભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ ઠાકર, તરૂણભાઈ પાઢ તથા બુધાભા ભાટીનો સમીર પટેલને હાંકી કાઢવાનો સંકલ્પ
- Advertisement -
બેટ દ્વારકા મંદિરના બંધારણ મુજબ સમીર પટેલ ટ્રસ્ટમાં રહેવાને લાયક નથી
લઠ્ઠાકાંડમાં ચર્ચાયેલાં બે નામ સૌરભ પટેલ અને સમીર પટેલ બેટ દ્વારકા મંદિરના પ્રમુખ અને ઉપ્રમુખ
ઓખા અને બેટ વચ્ચે દરિયાઈ પુલ (સિગ્નેચર પુલ)નું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે યાત્રિકોને વધુ સારી સુવિધા આપવાના બદલે સમીર પટેલના આગમન બાદ પ્રસાદીથી માંડીને ગૌશાળા કે યાત્રિકોના ઉતારામાં પણ મનમાની ચલાવવામાં આવતી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. એવી પણ ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે કે મંદિરના અમૂલ્ય દાગીનાનો ખજાનો 35 વર્ષ પહેલાં પેટીઓ ભરી અમદાવાદ બેન્ક લોકરમાં રાખવામાં આવેલ છે તેનું ઓપરેટિંગ કોણ કરે છે? આ ખજાનો મંદિરના સ્ટ્રોંગ રૂમમાં કેમ રાખવામાં આવતો નથી? જેનો જવાબ સમીર પટેલ પાસે માંગવાની જરૂર છે. આ ઉપરાંત સમીર પટેલના જોડીદાર એવા ઈન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશ બદિયાણી દ્વારા મંદિરની વિવિધ પ્રોપર્ટી પોતાના ટ્રસ્ટ તથા ભાગીદારો મળતિયાઓને ટોકનદરે આપી દેવામાં આવ્યાનું અને આવી પ્રોપર્ટીમાં બાલ મંદિરની જગ્યા, બેટ હનુમાન દાંડીનું મંદિર, નિ:શુલ્ક ભોજનાલય સામેની જગ્યા, પુસ્તકાલયની જગ્યા વગેરેનો સમાવેશ થતો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. અંતમાં સમીર પટેલ એન્ડ કંપનીના પ્રાઈવેટ કંપની જેવા વહિવટમાંથી બેટ દ્વારકા મંદિરને મુક્ત કરાવવા તમામ હિન્દુ સનાતનીઓ તથા સંસ્થાઓને આગળ આવવા અપીલ કરવાની સાથોસાથ જો આ બાબતે દિવસ 30માં યોગ્ય નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચિમકી આપવામાં આવી છે.
બ્રાહ્મણોને ચોર કહેનાર સમીર પટેલ વિરૂદ્ધ પગલાં નહી લેવાતાં બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ
ભગવાન દ્વારીકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકા મંદિરના વિવાદાસ્પદ ટ્રસ્ટી સમીર પટેલ વિરુદ્ધ મંદિરનું સંચાલન કરતા બ્રહ્મસમાજે ગતરોજ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી ઉગ્ર પ્રત્યાધાતો આપ્યા છે. આજથી આશરે ચાર માસ પહેલા બેટ દ્વારકા મંદિરે આવેલા ટ્રસ્ટી સમીર પટેલે બ્રાહ્મણોને ચોર કહેતા મામલો બીચકાયો હતો. પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા સમીર પટેલ વિરૂદ્ધ કોઇ શિક્ષાત્મક પગલા નહી લેતાં, બ્રહ્મ સમાજમાં રોષની લાગણી જન્મી હતી. આજે તમામ બ્રહ્મ સમાજે એકઠા થઈ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન આપી વ્યથા ઠાલવી માંગણીઓ મુકી હતી.
30 દિવસ પછી બેટ ધર્મરક્ષા સમિતિ દ્વારકા પ્રાંત કચેરીની સામે પ્રતિક ઉપવાસ શરૂ કરશે
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિની માગણી છે કે મંદિરમાં આવતા યાત્રિકો માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી, બેટ દ્વારકાનો અરબો ખરબો રૂપિયાનો મંદિરનો ખજાનો અમદાવાદ બેંકમાં પડેલ છે તેને બેટમાં પરત લાવવો, મંદિરની અવ્યવસ્થાઓ માટે દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ સમીર પટેલ દરેક બાબત માટે દોષિત છે જેની હકાલપટ્ટી કરવી, બેટના પુજારી પરિવાર બ્રાહ્મણો વેપારીઓ અને આવતા યાત્રિકો માટે સમીર પટેલની રાક્ષસીવૃતિ ધર્મને હાની પહોંચાડનારી હોય, જેનું નામ લઠ્ઠાકાંડમાં પણ ચર્ચાય છે તેવા સમીર પટેલને બેટ મંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટી પદેથી તાત્કાલિક ધોરણે હાકી કાઢવા અને જો સમિતિની આ માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો 30 દિવસ પછી બેટ ધર્મરક્ષા સમિતિ દ્વારકા પ્રાંત કચેરીની સામે પ્રતિક ઉપવાસ શરૂ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.
બેટ-દ્વારકા ધર્મરક્ષા સમિતિને કોનું-કોનું સમર્થન?
– બેટ દ્વારકા ગુગળી સમાજ
– બેટ દ્વારકા બ્રહ્મસમાજ
– બેટ દ્વારકા ચેમ્બર ઓફ કોમર્સ
– ઓખા ચેમ્બર ઓફ કોમર્સ
– સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સ
– આરંભડા ચેમ્બર ઓફ કોમર્સ
– સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એસો.
-મીઠાપુર બાલમુકુન્દ ગૌશાળા ટ્રસ્ટ
-સુરજકરાડી માધવ ગૌશાળા ટ્રસ્ટ
-દ્વારકા ગુગળી 505 સમાજ
-દ્વારકા સમસ્ત બ્રહ્મસમાજ