લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલના આગોતરા જામીન મામલે બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી શરૂ
કોર્ટની બહાર આપનો વિરોધ-પ્રદર્શન, સમીર પટેલને ફાંસીનાં માંચડે લટકાવી દેવા માંગ કરી
- Advertisement -
સમીર પટેલ અને અન્ય આરોપીની આગોતરા જામીન મુદ્દે કોર્ટમાં ચાલી રહી છે સુનવણી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના ચકચારી લઠ્ઠાકાંડમાં 50થી વધુ જીંદગીઓનો ભોગ લેનાર કેમિકલ કંપની એમોસના મેનેજીંગ ડાયરેક્ટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેક્ટર દ્વારા બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જે અંગે આજે કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. સરકારી ખાસ વકીલ ઉત્પલ દવે જુનિયર વકીલો સાથે બોટાદ કોર્ટ ખાતે પહોંચ્યા છે. એમોસ કંપનીના વકીલો પણ બોટાદ કોર્ટ ખાતે પહોંચ્યા છે. પોલીસ દ્વારા આજે સોગંધનામું રજૂ કરાયુ હતું. ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કોર્ટે ખાતે પહોંચી છે. આ મામલે સુનવણી થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ વિરોધ શરૂ કરી દીધો હતો. આગોતરા જામીન અરજી નામંજૂરની માંગ સાથે સમીર પટેલને ફાંસીની સજાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ કોર્ટ બહાર ભારે વિરોધ કર્યો હતો.
એમોસ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી આગોતરા અરજી કોર્ટે હાલના તબક્કે સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી હતી. આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા હાઇકોર્ટની છૂટ માંગી હતી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી હતી. જેના અનુસંધાન બોટાદ સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી અરજીની આજે શનિવારે સુનાવણી શરૂ કરવામાં આવી છે અને આ લખાય છે ત્યારે સાંજે 4.00 વાગ્યા સુધી સુનવણી શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમીર પટેલને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવું લઠ્ઠાકાંડમાં ભોગ બનેલાં 50થી વધુ લોકોનાં પરીવારજનો ઈચ્છી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં પણ સમીર પટેલ પર ફીટકાર વરસી રહ્યો છે.
- Advertisement -