ગેરકાયદે રેતીના ખનન અને વોશ પ્લાન્ટથી પ્રકૃતિને નુકસાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લાના કડક ભૂસ્તર શાસ્ત્રી તરીકે છાપ ધરાવતા નીરવ બારોટ દ્વારા રાજીનામું ધરી દીધું હતું જેને સરકાર દ્વારા મંજૂર કરતા નીરવ બારોટની રાજ્ય સરકારની સેવા પૂર્ણ કરી હતી. નીરવ બારોટના રાજીનામું મંજૂર કરતા જિલ્લાના ખનન માફિયા ગેલમાં આવી ગયા હતા અને જે ખનિજ માફીયાઓ ડરીને રાત્રીના અંધારામાં ખનિજ ચોરી કરતા હતા તેઓ હવે દિન દહાડે છડે ચોક ખનિજ ચોરી શરૂ કરી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે છેલ્લા કેટલાક સમયથી રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અહી ભરાડા ગામના તળાવમાંથી હુડકા થકી કાઢવામાં આવતી રેતી અને પ્લાન્ટ પર ચારેક મહિના આગાઉ ખાણ ખનીજની ટીમ દ્વારા દરોડો પણ કરવામાં આવ્યો હતો જેમાં તળાવમાંથી રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતાં હુડકા સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ત્યાર બાદ હવે ફરી પછી ભરાડા ગામે રેતી ચોરી અને વિશ પ્લાન્ટ ગેરકાયદેસર ધમધમતા થયા છે. આ ગેરકાયદેસર વોશ પ્લાન્ટ અને ખનન કરનાર ઈસમો માથાભારે તત્વો હોવાથી ગ્રામજનો પણ તેઓના વિરુદ્ધમાં રજૂઆત કરતા ડરતા હોવાનું જાણવા મળ્યું છે તેવામાં વર્ષોથી ચાલતા ભરાડા ગામે ગેરકાયદેસર રેતી વોશના પ્લાન્ટ સામે અત્યાર સુધીમાં નીરવ બારોટ જેવા અધિકારી દ્વારા દરોડો કરી લાખોનો મુદ્દામાલ ઝડપી ચૂક્યા છે ત્યારે હવે આ અધિકારીની ઉણપ બાદ હવે ખાણ ખનિજ વિભાગ સુસુપ્ત અવસ્થામાં હોવાનું નજરે પડે છે જેના લીધે જ જિલ્લાભરમાં ખનિજ માફીયાઓ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે તેવામાં ભરાડા ગામે ચાલતા ગેરકાયદેસર રેતીના ખનન અને વોશ પ્લાન્ટ પર નિંદ્રાધીન ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.