છેલ્લાં 4 મહિનામાં 1905 મહિલાઓની સફળ ડિલિવરી થઈ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મહિલાઓની ડીલીવરીમાં અવ્વલ છે. મહિલાઓની સફળ ડીલીવરીને કારણે સિવિલમાં સરેરાશ દર એક કલાકે એક મહિલાની ડીલીવરી કરવામાં આવે છે અને દર મહિને અંદાજે 500 જેટલી મહિલાઓની ડીલીવરી કરાઈ છે. જેમાં 60 ટકા જેટલી નોર્મલ ડીલીવરી કરાવવામાં આવે છે. છેલ્લા 4 મહિનામાં 1905 મહિલાઓની સફળ ડીલીવરી કરવામાં આવી હોવાનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડો.પ્રિયંકા જોગીયાએ જણાવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના હેડ ડો.પ્રિયંકાની દેખરેખ હેઠળ મહિલાઓની સફળ ડીલીવરી કરવામાં આવે છે.
- Advertisement -
ગાયનેકના વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ક્રિષ્ના મહેતા કહે છે કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મહિલાઓની પ્રસુતિ કરાવવાની કામગીરીમાં આગળ છે. અહીંયા જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લાના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. અહિંયા દર મહિને સરેરાશ 500 જેટલી મહિલાઓની પ્રસુતિ કરાવાય છે. જેમાં છેલ્લા 4 મહિનામાં 1905 મહિલાઓની સફળ ડીલીવરી કરાવવામાં આવી છે. જેમાં 1160 મહિલાઓની નોર્મલ ડીલીવરી કરાઇ છે. જ્યારે 745 મહિલાઓની સિઝેરીયન દ્વારા ડીલીવરી કરાવવામાં આવી છે. સાથો સાથ સિવિલમાં સરકારશ્રીની જનની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત તમામ સારવાર સેવા સાથે ખીલખીલાટ વાન ઘરે સુધી મુકવા જાય તે સહિતની સારવાર અને સેવા વિનામૂલ્યે અપાય છે.