કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે તેની તૈયારીઓ તેજ કરી, સીએમ આતિશીની સામે અલકા લાંબા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ-આપ અને ભાજપે હવે કમર કસી લીધી છે. વાસ્તવમાં કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ સંદર્ભમાં પાર્ટીએ મંગળવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજી હતી. બેઠકમાં 35 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી પાર્ટીએ 28 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. જ્યારે 7 બેઠકો બાકી રાખવામાં આવી છે.
- Advertisement -
સીએમ આતિશીની સામે અલકા લાંબા
સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં સીએમ આતિશીની સામે કાલકાજી સીટ પરથી અલકા લાંબાનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે સીમાપુરીથી રાજેશ લીલોથિયા, જંગપુરાથી ફરહાદ સૂરી, મતિયા મહેલથી અસીમ અહેમદ અને બિજવાસનથી દેવેન્દ્ર સેહરાવતના નામ ફાઈનલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અસીમ અહેમદ ખાન અને દેવેન્દ્ર સેહરાવત બંને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. બંને નેતાઓએ સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
નોંધનિય છે કે, અગાઉ કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતી નથી. પાર્ટી બૂથ સ્તરે કામમાં વ્યસ્ત છે. સોમવાર, 23 ડિસેમ્બર 2024ના રોજ આગામી વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે દિલ્હી કોંગ્રેસના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે, ફક્ત એવા વચનો આપવા જોઈએ જે પૂરા કરી શકાય. કોંગ્રેસ માત્ર વાતો કરવામાં વિશ્વાસ નથી કરતી.