દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. આમ આદમી પાર્ટીના વડાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBIને નોટિસ પાઠવી છે. આજે સીબીઆઈ તરફથી કોઈ વકીલ કોર્ટમાં હાજર થયો ન હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે બીજી બાજુ પણ સાંભળશે અને કેસની સુનાવણી માટે આગામી તારીખ આપી છે.
કેજરીવાલે કથિત લિકર પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા તેમની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી 23 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે અને કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. અગાઉ, કોર્ટે સીબીઆઈ કેસમાં તેની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી હતી. આ કેસમાં સંજય સિંહ અને મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલ હાલ જેલમાં છે. 5 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ દ્વારા ધરપકડ રદ કરવાની કેજરીવાલની માંગને ફગાવી દીધી હતી અને તેમને જામીન માટે નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. કેજરીવાલે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ (ED) કેસમાં કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન આપી દીધા છે, જો તેમને CBI કેસમાં જામીન મળશે તો તેઓ જેલની બહાર થઈ જશે.
સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં હતા. કેજરીવાલે બે અરજી દાખલ કરી છે, જેમાં એક સીબીઆઈની ધરપકડને પડકારતી અને બીજી જામીન માંગતી હતી.