પ્રજ્ઞાચક્ષુ પ્રાંજલે 2016માં UPSCની પરીક્ષામાં 773મો રેન્ક મેળવ્યા બાદ 2017માં ફરી પરીક્ષા આપી અને ભારતમાં 124મો રેન્ક મેળવ્યો અને IAS કેડર પણ મેળવી.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
પ્રાંજલ દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ IAS ઓફિસર બની અને કેરલ રાજ્યમાં આસિ. કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો
મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની નિવાસી પ્રાંજલ પાટિલ જ્યારે છ વર્ષની હતી ત્યારે એની બંને આંખોની રોશની જતી રહી. માત્ર છ વર્ષની ઉંમરે જ આંખો જતી રહે તો શું થાય એની કલ્પના કરી શકાય છે. પરિવારના લોકો સહિત સ્વજનોને આ છોકરીની ખૂબ ચિંતા હતી. બધા લોકોને એમ હતું કે નેત્રહીન આ દીકરી શું કરી શકે પણ પ્રાંજલ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના સપના પણ મોટા થતા ગયા.
પ્રજ્ઞાચક્ષુ પ્રાંજલે પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાનો અભ્યાસ આગળ વધાર્યો. બીજા પર આધારિત રહેવાના બદલે પોતાના પગ પર જ ઉભા રહેવાના દ્રઢ નિર્ધાર સાથે પ્રાંજલે સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. કોલેજ પૂરી કર્યા બાદ આ પ્રજ્ઞાચક્ષુ દીકરીએ ભારતની સર્વોચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું નક્કી કર્યું. યુપીએસસીની પરીક્ષા દ્વારા ભારત સરકારના ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે એણે પરીક્ષાની તૈયારી શરૂ કરી. આંખો ન હોવાના કારણે પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ મુશ્કેલી પડે પણ હિંમત હારી જવાના બદલે બ્રેઈલ લિપિ દ્વારા વાંચન કરીને અને ટોકિંગ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરીને એણે પરીક્ષાની તૈયારી કરી. 2016ના વર્ષમાં પહેલી વખત યુપીએસસીની પરીક્ષા આપી.
- Advertisement -
માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયામાં સૌથી અઘરી ગણાતી આ પરીક્ષા પ્રાંજલે પહેલા પ્રયાસમાં જ પાસ કરી અને 773મો રેન્ક મેળવ્યો. આઈએએસ બનવાનું સપનું હતું પણ 773 રેન્ક પર આઈએએસ કેડર ન મળે તે સ્વાભાવિક છે. એને જે વિભાગમાં નોકરી આપવામાં આવી એ વિભાગે આ છોકરી પ્રજ્ઞાચક્ષુ હોવાથી ફરજ પર લેવાની ના પાડી દીધી. હાર માનવાને બદલે આ દીકરી ફરીથી પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ.
2017મા એણે ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી. આ વખતે એની તૈયારી ખૂબ સારી હતી. ભગવાને પણ આ દીકરીની મહેનત જોઈને પોતાની કૃપાનો વરસાદ વરસાવ્યો. પ્રાંજલે 2017ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 124મો રેન્ક પ્રાપ્ત કર્યો અને એને આઈએએસ કેડર પણ મળી ગઈ.
- Advertisement -
પ્રાંજલ પાટિલ ભારતની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈએએસ ઓફિસર બની. થોડા સમય પહેલા જ પ્રાંજલે કેરલ રાજ્યમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો. ભગવાને ભલે આંખો પાછી લઇ લીધી પણ આ દીકરી હવે પોતાની સેવા દ્વારા છેવાડાના અસંખ્ય માણસોના જીવનમાં અજવાળા પાથરવાનું કામ કરશે.
મન મક્કમ હોય, મહેનત કરવાની તૈયારી હોય અને પરિણામ માટે ધીરજ રાખી શકતા હોય તો આ જગતમાં કશું જ અશક્ય નથી.