બાઘા વિરૂદ્ધ અહેવાલો છપાતાં એ બરાબર ગિન્નાયો
પોલીસ કમિશનરને કરેલી અરજીમાં પત્રકાર આશિષ ડાભીએ બાઘાએ કરેલાં ફોનની વિગતો આપી: નનામો ફોન કરીને આમંત્રણ આપ્યું: ડાભીને ઢાળી દેવાનું કાવતરું?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સામાન્ય પ્રજા તો ઠીક પત્રકાર પણ સલામત નથી. અપરાધીઓ બેફામ બન્યા છે અને જાણે શહેરમાં ગુંડારાજ હોય એવો માહોલ સર્જાતો જાય છે. જો કોઈ પત્રકાર ગુનાખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવે કે પોલીસ બેડાને જાણ કરે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. હાલમાં જ એક કુખ્યાત બુટલેગર વિરુદ્ધ પોતાના અખબારમાં સત્ય ઉચ્ચારવા બદલ પત્રકારનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે. બનાવની વિગત અનુસાર સોશ્યલ રિપોર્ટ ન્યૂઝ નામથી અખબાર ચલાવતા પત્રકાર આશિષ ડાભી અસામાજિક તત્વો, બુટલેગરો, પેડલરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી નિડરતાપૂર્વક પત્રકારત્વ કરી રહ્યા છે. ગત 16 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે તેમના મોબાઈલ પર એક ફોન આવે છે જેમાં જણાવવા આવે છે કે, મારી પાસે એક મોટું કામ છે. તને ઘણા રૂપિયા મળશે. કાળા કાચવાળી ગાડી તને લેવા માટે આવશે. તારે ફક્ત તેમાં બેસી જવાનું છે. કામ પૂરું થાય એટલે ગાડી ફરી તને મૂકી જશે. પત્રકાર આશિષ ડાભી દ્વારા જ્યારે આ ફોનકોલની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ફોન કરનાર વ્યક્તિ જંગલેશ્વરનો કુખ્યાત બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા છે.
આશિષ ડાભીએ એક સમયે બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા વિરુદ્ધ પોતાના અખબારમાં સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. એ બાબતને ધ્યાનમાં રાખીને બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમેરેટિયા પત્રકાર આશિષ ડાભીનું ખૂન કરવાની ઈચ્છા ધરાવે છે. તેણે પત્રકાર આશિષ ડાભીની જાસૂસી કરવા તેમજ માર મારવા માટે માણસો પણ રાખ્યા છે. બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમેરેટિયા એક રીઢો ગુનેગાર છે, પૈસાના જોરે રાજકીય વગ ધરાવે છે. ભૂતકાળમાં અનેક વખત તેના પર જુદીજુદી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હવે તે વાત કરવા માટે પત્રકાર આશિષ ડાભીને મળવા બોલાવી તેની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યો હોય એવું જણાય આવતા આશિષ ડાભી નામના પત્રકારે તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા નામના બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશનરને એક અરજી કરી છે.
પત્રકાર આશિષ ડાભીએ સોગંદનામું કર્યું, મને કંઈ થયું તો બૂટલેગર તૌસિફ જવાબદાર
બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયાથી જીવનું જોખમ હોવાનું જણાય આવતા પત્રકાર આશિષ ડાભીએ એક સોગંદનામું કર્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે, ગત તા. 16-02-2023ના રોજ બપોરના 2 વાગ્યાની આસપાસ વોટસએપ કોલ કરનારા તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટીયા જંગલેશ્વર, રાજકોટવાળા તરફથી જીવનું જોખમ હોય મને કંઈપણ ઈજા થાય કે મારુ મૃત્યુ થાય કે અકસ્માત થાય તો તે અંગેની તમામ જવાબદારી તૌસિફ ઉર્ફે બાંધો ઉંમરેટીયાની રહેશે. આશિષ ડાભીએ આ સોગંદનામા સહિતની એક અરજી રાજકોટ પોલીસ કમિશનરને કરી બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે.
- Advertisement -
બી ડિવિઝન પોલીસને તપાસ સોંપતા CP
આશિષ ડાભીએ બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા વિરુદ્ધ કરેલી અરજી અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સમગ્ર મામલાની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.