રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ચાર દિવસ પહેલા પોલીસ હેડ ક્વાર્ટસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર પ્રકાશ પારધીનું અમદાવાદ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો છે. તેમના આપઘાત પાછળ પારિવારિક કારણ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. મળતી વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં 80 ફૂટ રોડ પર, આંબેડકરનગરમાં કાનાભાઈના મફતિયા પાસે રહેતા અને રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રકાશ પારઘીએ તા.8 સપ્ટેમ્બરની રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિવારના સભ્યોને જાણ થતાં તુરંત તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા, એ પછી પણ પ્રકાશભાઈની સ્થિતિ ગંભીર જણાતા તબીબોની સલાહથી તેઓને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર થઈ રહી હતી. ગઈકાલે અચાનક પ્રકાશભાઈની તબિયત લથડી હતી અને મોડી રાત્રે તેમણે દમ તોડી દીધો હતો. અમદાવાદમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર મળતા જ રાજકોટ પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે.