કાર્તિક મહેતા
છેલ્લા સો વર્ષમાં માનવ ખોરાકમાં ખાંડનું પ્રમાણ સો ગણું વધ્યું છે, જે મગજ પર નશાકારક ડ્રગ જેવી અસર કરે છે
- Advertisement -
ચા ખરેખર ચાઇનીઝ ભાષાનો શબ્દ છે. ચાઇનીઝ લોકો ચાની પત્તીઓ ને ઉકાળીને પીતા .. આ ચા એન્ટી ઓક્સિડન્ટ નું કામ કરતી. એને કારણે ચાઇનીઝ લોકોને જરા તરા “ફ્રેશનેસ” અનુભવાતી પણ ખાસ તો એને કારણે તેઓ લાંબો સમય યુવાન અને ઉર્જાવાન રહી શકતા. ખાસ નોંધવાનું એ કે ચાઇનીઝ લોકોને ચાનું કોઈ વળગણ નહોતું. આજે સૌરાષ્ટ્ર થી લઈને મહારાષ્ટ્ર સુધી ચાના રસિયા લોકો જોવા મળી જાય જેને ચા પીધા વિના ચાલે નહિ, ચા પીવે નહિ તો માથું દુખવા લાગે અથવા બેચેની થાય એવા અનેક લોકો ભારતમાં અનેકો અનેક હશે.
તો જો ચાને કારણે ચાઇનીઝ લોકોને બંધાણ કે વ્યસન લાગતું નહોતું તો ભારતીય લોકોને કેમ ચાનું વળગણ લાગ્યું ??
એનો જવાબ લગભગ અઢારમી સદીના ઇંગ્લેન્ડમાં છે. થયું એમ કે ઇંગ્લેન્ડમાં મૂળ ચીનમાં ઉગત્તી એવી ચાય ધીમે ધીમે પ્રચલિત બનવા લાગેલી પણ હજી તે ઘરે ઘરે પીવાતી નહોતી. હજી તે ઇંગ્લેન્ડની ઓળખ બની નહોતી. એનું કારણ હતું કે ચા નો ટેસ્ટ બેઝિકલી કડચો – તૂરો હોય છે. તે સ્વાદિષ્ટ નથી હોતી. હવે જેમ ચોકલેટમાં થાય છે એમ ચોકલેટની કડવાશ દૂર કરવા (કે ઓછી કરવા) એમાં જેમ ભરચક ખાંડ નાખવામાં આવે છે (ચોકલેટને હેલધિ કહેવા વાળા આ વાત તમને કદી નથી કહેતા) એમ ચાને જરા મોઢે લાગે એવી બનાવવા માટે એમાં અંગ્રેજો ખાંડ નાખવા લાગ્યા. અને ચમત્કાર થયો !! આ કડચું તૂરું પીણું અંગ્રેજોને ગોઠી ગયું. અઢારમી સદીથી ઇંગ્લેન્ડમાં ચાનું ચલણ “વાયરલ” થઈ ગયું. એટલી હદે કે ચાય ઇંગ્લેન્ડની ઓળખ બની ગઈ. આનું કારણ હતું “ખાંડ” !!
ખાંડના આ ઉપયોગ ને લીધે યુરોપમાં ચાની ડિમાન્ડ એટલી બધી વધી કે અંગ્રેજો એ ચીનને ભારતનું અફીણ વેચીને ચીન પાસેથી ચા ખરીદવાનું શરૂ કરી દીધું. આ અફીણનો કાળો ધંધો ચીનમાં એટલો જામ્યો કે ચીનમાં યુવાનો બેકાર અને બેરોજગાર બનવા લાગ્યા. ચીનનું કલ્ચર નાશ પામવા લાગ્યું. અંગ્રેજોએ આ અવસ્થાનો લાભ લઈને ચીનને રીતસર દેવાળિયું બનાવી દીધું. (દુર્ભાગ્યે ભારતના અમુક વેપારીઓએ આ દુષ્કર્મમાં અંગ્રેજોનો પરોક્ષ સહકાર આપ્યો હતો) ..
ખાંડનો પહેલો શિકાર આમ ચીન બન્યું જેને કારણે ચીન ગુલામ , બિસ્માર અને દરિદ્ર બનીને લગભગ 200 વર્ષ પાછળ ધકેલાઈ ગયું. ચીનના નેતાઓ અને નાગરિકો આજે પણ આ વાતને યાદ કરીને ઇંગ્લેન્ડને દોષિત ઠેરવે છે. (સાથે ભારતને નફરત પણ કરે છે કેમકે અફીણ ભારતથી આવતું હતું)
ઇંગ્લેન્ડ સહિત યુરોપમાં ખાંડનું ચલણ વધવા લાગ્યું જેની પાછલ બીજું કારણ હતું “રમ” નામનો દારૂ જે ખાંડ ના ઉત્પાદન સાથે બનાવવામાં આવતો. યુરોપમાં રમ પણ બેફામ પિવાવા લાગ્યો જેને લીધે હવે ખાંડ ના બેફામ ઉત્પાદનની જરૂર પડી. યુરોપમાં શેરડી એટલી ઉગે એમ નહોતી. આથી યુરોપિયનો એ પોતાના ગુલામ દેશો તરફ નજર દોડાવી.
યુરપિયનોએ અમેરિકન અને કેરેબિયન ધરતી ઉપર શેરડી ઉગાડવાનું અને ખાંડ બનાવવાનું શરૂ કર્યું. પણ આ કામ બહુ શ્રમ માંગી લે એવું હોવાથી એમને મજૂરોની અછત વર્તાવા લાગી. યુરોપિયનો આથી આફ્રિકાથી હબસી લોકોને ગુલામ તરીકે લાવવા લાગ્યા અને શેરડીના ખેતરોમાં જોતરવા લાગ્યા. આ મજૂરોને પ્રાણીઓની જેમ રાખવામાં આવતા. ભારતીય, જાપાનીઝ અને ચાઇનીઝ મજૂરો ને પણ પછી આ કામમાં જોડવામાં આવ્યા હતા.
ખાંડનો બીજો શિકાર આ રીતે આફ્રિકન લોકો બન્યા. ખાંડ માટે શેરડીના ખેતરો અને ફેકટરીમાં કામ કરતા લગભગ કરોડ આસપાસ આફ્રિકન મજૂરો મૃત્યુ પામ્યા ..
અનેક ભારતીય અને ચાઇનીઝ મજૂરોને પણ વેસ્ટ ઇન્ડીઝ જેવા કેરેબિયન દેશોમાં મજૂર તરીકે લઈ જવાયેલા. એમની ઉપર પણ ખૂબ અત્યાચાર કરવામાં આવ્યા હતા.
સમય જતાં ગુલામી પ્રથા દૂર થઈ પણ એને કારણે આફ્રિકન , ભારતીય અને અન્ય એશિયન દેશોના લોકો હમેશા માટે પોતાના વતનથી વિખૂટા પડી ગયા.
વળી , ખાંડને કારણે જામેલી ચાની ડીમાંડે બોસ્ટન ટી પાર્ટી નામની એક ઘટનાને આકાર આપ્યો જેમાંથી અમેરિકા નામનાં દેશનો જનમ થયો. આમ અમેરિકાના એક દેશ તરીકે જનમ પાછળ પણ પરોક્ષ રીતે “ખાંડ” જવાબદાર છે.
ખાંડ બનાવતી વખતે જે રગડા જેવું પ્રવાહી વધે એને “મોલાસિસ” કહેવાય. આ મોલાસીસ નો ઉપયોગ કરીને ઇથેનોલ બને. ભારતે લગભગ 2018માં નક્કી કરેલું કે 2030 સુધીમાં ભારતમાં પેટ્રોલની અંદર વીસ ટકા સુધી ઇથેનોલ મિક્સ કરવામાં આવશે. પરંતુ ગડકરી સાહેબ જેવા દીર્ઘદ્રષ્ટા નેતાના માર્ગદર્શનમાં ભારતે આ લક્ષ્યાંક 2025માં પ્રાપ્ત કરી લીધો છે. (અભિનંદન!!)
ઇથેનોલ મિક્સ કરવાથી ભારતનાં પેટ્રોલિયમ આયાતમાં ધરખમ બચાવ થયો છે અને પેટ્રોલ કિંમતો સ્થિર રહેવા પામી છે. (જોકે ક્રૂડ નો ભાવ પણ ઓછો જ છે)
ગડકરી સાહેબ પોતે પણ ખાંડ ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ખાંડ ઉત્પાદન બહુ મોટી આવકનો સ્ત્રોત છે પરંતુ ખાંડની ફેકટરી કે શેરડીના ખેતરમાં કામ કરતા મજૂરોની હાલત વિશે વારંવાર છપાતું રહે છે કે એમની હાલત ખુબ દયનીય હોય છે. આ મજૂરો અત્યંત દયનિય જીવન જીવે છે.
- Advertisement -
આ દુર્બળ, દરિદ્ર શ્રમિકો ખાંડનો ચોથો શિકાર છે.
હવે ખાંડનો ફાઈનલ પાંચમો શિકાર કોણ તે જાણીએ.
ખાંડનો મોટામાં મોટો અને છેલ્લો શિકાર આપણે સહુ છીએ. છેલ્લા સોએક વર્ષમાં આપણે આપણાં ખોરાકમાં ખાંડનું પ્રમાણ સો ગણું વધારે કરી દીધું છે !!
ખાંડ ની અસર આપણા મગજ ઉપર કોઈ નશાકારક ડ્રગ જેવી થાય છે. ઘણાંને ગળ્યું ઠંડુ પીણું કે ચા કે કોફી પીવાની ઈચ્છા દરરોજ થાય તેનું કારણ તે ઠંડુ પીનું કે ચા કોફી નથી પણ એમાં રહેલી ખાંડ છે.
ખાંડના અત્યાધિક સેવનને કારણે આજે અમેરિકનો યુરોપિયનો અને ભારતીયો અનેક જીવલેણ રોગોના ભોગ બન્યા છે. કેન્સર થી લઈને ડાયાબિટીસ સુધીના રોગોમાં ખાંડના અધિક સેવન સામે આંગળી ચિંધાય છે.
અનેક ફિટનેસ એક્સપર્ટ ખાંડ ખાવાની સદંતર મનાઈ ફરમાવે છે.
ફિટનેસ એક્સપર્ટનું કહ્યું માનીએ કે ના માનીએ, ઇતિહાસનું તો માનવું પડે એમ છે. ખાંડ એક એવો વિલન છે જેની છાપ ઉજળી છે પણ કરમ બહુ કાળા છે….