ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં જામનગર બાદ ત્રણ દિવસ પહેલા પોરબંદર જીલ્લામાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા મોરબી પશુપાલન વિભાગ સહિત જીલ્લા વહિવટી તંત્ર દ્વારા આ વાયરસનો પગપેસારો વધુ પશુઓમાં ન ફેલાય તે માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે મોરબી જીલ્લા પશુપાલન વિભાગ પણ એલર્ટ બન્યું છે. આ વાયરસના ખતરા અંગે મોરબી જીલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો. કે આર કટારાએ જણાવ્યું હતું કે, આ એક ચામડીનું વાયરલ ઈન્ફેકશ છે જેને આપણે શિતળા અથવા અછબડા કહી શકીએ. આ રોગ રખડતા પશુઓને જ થતો હોય છે જેથી પશુપાલકો પોતાના પશુઓને રસ્તા પર છુટા ન મુકે જેથી આ રોગને અટકાવી શકાય.
હાલ પશુપાલન વિભાગના સ્ટાફને માહિતગાર કર્યા છે. આ વાયરસથી પશુઓમાં તાવ આવવો, શરીરે ફોડલા થવા, ખોરાક ઘટી જવો, દૂધનું ઉત્પાદન ઘટવું સહિતની સમસ્યાઓ જોવા મળે છે. આ અંગે સ્ટાફને માહિતગાર કરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે જેથી આવા લક્ષણો કોઈ પણ પશુમાં જોવા મળે અથવા આવી ફરિયાદ સામે આવે તો તાત્કાલિક વેક્સિનેશન શિબિર ગોઠવીને એ પશુનું રસીકરણ કરવામાં આવશે અને તંત્રએ તમામ તૈયારીઓ કરી હોવાનું જણાવ્યું હતું.