દાદાએ પુરાવાઓના નાશ કરવો અને ફઈબાએ હત્યાની પ્રેરણા આપી હતી
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર તાલાલા તાલુકાના ધાવા(ગીર)ગામની 14 વર્ષીય ધૈર્યાને વળગાડ હોવાની શંકાએ તેના પિતા ભાવેશ અકબરી તથા મોટા બાપુજી દિલીપ અકબરીએ સાત દિવસ સુધી અમાનુષી અત્યાચાર ગુજારી નિર્મમ હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે પિતા અને મોટા બાપુજીની ધરપકડ કરી હત્યાનું કારણ જાણવા સહિતના અનેક ઘૂંટાતા સવાલોના જવાબ મેળવવા સાઇન્ટેફિક રીતે આગળની તપાસ કરી રહી હતી. જેમાં મહત્વની જાણકારી મળતા હત્યામાં મદદગારી કરનાર માસુમ દીકરીના દાદા અને સગા ફઈબાની પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં હજુ પણ આરોપીઓના અન્ય પરીવારજનો પણ સામેલ હોવાની ગીર પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે.માસુમ દીકરીની હત્યા મામલે થયેલા મોટા ખુલાસા અંગે તાલાલા પીએસઆઈ પી.જે. બાટવાએ જણાવ્યું હતું કે, માસુમ દીકરીની હત્યા કરનાર તેના પિતા ભાવેશ અને મોટા બાપુજી હાલ 14 દિવસના પોલીસ રિમાન્ડમાં છે. જેમાં બંન્ને આરોપીઓની પૂછપરછ દરમિયાન માસુમ દીકરી ધૈર્યાની હત્યા કર્યા બાદ અંતિમવિધિ કરી નાખી પુરાવાના નાશ કરવામાં મદદગારી કરનાર ધૈર્યાના દાદા ગોપાલભાઈ જેરામભાઈ અકબરી (ઉ.વ.68) તથા માસુમની હત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપી મદદગારી કરનાર માસુમની સગી ફઈબા અર્ચનાબેન ઉર્ફે જ્યોતિ જેનીશ ઠુમ્મર (રહે. બરસાના સોસાયટી,કેશોદ વાળા)ની બંન્નેની પોલીસે ધરપકડ કરી છે.આ કેસનો મુખ્ય આરોપી માસુમનો પિતા ભાવેશ અકબરી તા.25 મી સુધી હજુ પોલીસ રિમાન્ડ ઉપર છે. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળના ડીવાયએસપી વી.આર.ખેંગાર તથા તાલાલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.યુ.માસી તથા તાલાલા પીએસઆઈ પી.જે.બાટવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે ધાવા (ગીર) ગામની માસુમ દીકરી ધૈર્યાની હત્યામાં તેમના ફઈબા તથા દાદાની સામેલગીરી બહાર આવ્યાના સમાચારથી તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે. આ હત્યાકાંડની આગળની તપાસમાં વધુ પૂછપરછ ચાલુ રાખશે,તો માસુમ બાળકીના અન્ય પરીવારજનોની મદદગારી સામે આવવાની સંભાવના હોવાની વ્યાપકપણે ગીર પંથકવાસીઓમાં ચર્ચા થઈ રહી છે.