સાયક્લોેથોનમાં ભાગ લેનાર પૈકી 11 સાયકલીસ્ટને લક્કી ડ્રો દ્વારા ઇનામ તરીકે સાયકલ અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
વાઈબ્રન્ટ ગુજરાત-2024 10મી ગ્લોબલ સમિટ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ ક્લબ દ્વારા આજે શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, પ્લેનેટોરિયમ પાસે, રેસકોર્ષ ખાતે સવારે 7-00 કલાકે સાયકલોથોન યોજવામાં આવી હતી જેનો શુભારંભ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર મંજુબેન કુંગશીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ સર્વે મહાનુભાવો દ્વારા સાયકલોથોનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલોથોનમાં મોટી સંખ્યામાં સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો.
- Advertisement -
આ પ્રસંગે સાંસદસભ્ય રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત 10મી સમિટ યોજાયેલ છે ત્યારે આજે રાજકોટ સહિત ગુજરાતના અન્ય ગામોમાં પણ આવા પ્રકારના કાર્યક્રમો યોજાયા છે. સવાર સવારમાં સાયકલ ચાલવવાથી પોતાનું સ્વાસ્થ્ય સારું રહે છે સાથે સાથે રાજકોટ, રાજ્ય, દેશને પણ સ્વસ્થ રાખે છે. તેમણે સાયકલોથોનમાં ભાગ લેનાર તમામ સાયકલીસ્ટોને શુભેચ્છા પાઠવી હતી.
9 કી.મી.ના રૂટમાં રેસકોર્ષ આર્ટ ગેલેરીથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ થઈને રામકૃષ્ણ મંદિર, કમિશનર બંગલો રોડ, વિરાણી ચોક, લક્ષ્મીનગર અન્ડરબ્રિજ, નાનામવા ચોકડી, 150 ફૂટ રિંગ રોડ થઇને કેકેવી ચોક, કાલાવડ રોડ થઈને કોટેચા ચોક, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, કિશાનપરા ચોક, બાલભવનના દરવાજે થઇને આર્ટ ગેલેરી ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી.
આ સાયકલોથોનમાં ભાગ લેનાર 11 સાયકલીસ્ટોને લક્કી ડ્રો દ્વારા સાયકલ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા, જેમાં અભિષેક પરમાર, રાજેશ હિરપરા, વીરા મારૂ, દિવ્યકાંત મહેતા, સતીષ મંકોડીયા, ઉજ્જૈનચંદ્ર સોની, જતીન અસરાની, ફેન્સી કગથરા, વત્સલ લાવડિયા, નુરાનુદીન સાદીલકોટ અને અક્ષત લાડવાનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરના નાગરીકો નોન મોટરાઈઝ્ડ વ્હીકલનો ઉપયોગ કરે, નિરોગી રહે, સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પોતાના જીવનમાં કાયમી સાઈકલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.