- રાજકોટનાં લક્ષ્મીનગર વિસ્તારમાં ચાલતી ‘મશરૂમ કતલખાના’ જેવી હોસ્પિટલને તાળાં લાગવા જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી એક અહિતકારી હોસ્પિટલમાં મશરૂમ જેવા ડૉક્ટર દ્વારા ભારત સરકારની આયુષમાન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો દુરુપયોગ થતો હોવાનો અહેવાલ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આયુષમાન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો ગેરલાભ ઉઠાવી રહેલા ડૉક્ટરની કેટલીક ઓડિયો ક્લિપમાં ચોંકાવનારી બાબતોનો સાંભળવા મળી રહી છે, આ ઓડિયો ક્લિપ સાંભળી જાણે કોઈપણ વ્યક્તિનો ડૉક્ટર અને મેડિકલ લાઈન પરથી ભરોસો ઉઠી જાય.
- Advertisement -
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર દ્વારા તેમને ત્યાં જન્મતા તાજા બાળકો અને તપાસ માટે આવતા નવજાત શિશુના ફરજીયાત રિપોર્ટ કરાવે છે, ત્યારબાદ એ રિપોર્ટમાં છેડછાડ કરી તેમને ત્યાં જન્મતા તાજા બાળકો અને તપાસ માટે આવતા નવજાત શિશુઓને દાખલ કરી સરકારી યોજાનાને હાથો બનાવી મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. આ સમગ્ર કાંડના પુરાવારૂપે ડૉક્ટરની ઘણીબધી ઓડિયો ક્લિપ અને અસલી-નકલી રિપોર્ટ મૌજૂદ છે.
ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, ડૉક્ટર દ્વારા ફોન પર તેમના આસિસ્ટન્ટને સૂચના આપવામાં આવે છે કે, જો રિપોર્ટમાં સીઆરપી 3.4 ટકા હોય તો 34 ટકા કરી નાખો, બાળકનો વજન નોર્મલ આવ્યો હોય તો ઓછો કરી દેવો, જો રિપોર્ટમાં કમળો ઓછો હોય તો વધારી દેવો.. અને આમ ડૉક્ટર દ્વારા રિપોર્ટમાં ઘાલમેલ કરી બાળકોને પેટીમાં રાખી સરકારી યોજના હેઠળ પૈસા કમાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, એક્સ-રે રિપોર્ટમાં પણ હેરફેર કરી નોર્મલ દર્દીને જૂનાં ફ્રેક્ચરવાળા દર્દીના એક્સ-રે પધરાવી દાખલ કરી દેવામાં આવે છે!
બાળકોને પેટીમાં રાખવા બદલ ડૉક્ટર-હોસ્પિટલને આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ મળતા પૈસાનો આંકડો પણ મહિને લાખોમાં છે. આ કારસ્તાન છેલ્લા કેટલાક સમયથી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે પણ હવે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓને મશરૂમ જેવા ડૉક્ટરની અહિતકારી હોસ્પિટલમાં ચાલતી કૂપ્રવૃત્તિની ગંધ આવી જતા ટૂંકસમયમાં મોટા કડાકાભડાકા થવાના એંધાણ છે.
- Advertisement -
IMA – મેડિકલ કાઉન્સિલએ તપાસ કરી પગલાં ભરવા જરૂરી
લક્ષ્મીનગર વિસ્તારમાં એક બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા આયુષમાન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો ગેરલાભ ઉઠાવવા નાના બાળકોને ખોટી રીતે એડમિટ કરવામાં આવી રહ્યા છે. આ કૂપ્રવૃત્તિઓનો કેટલાય નવજાત શિશુ અને તેમના પરિવાર ભોગ બન્યા છે એટલું જ નહીં, ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવતી આ કૂપ્રવૃત્તિને કારણે સરકારી તિજોરીને ભયંકર નુકશાન પહોચ્યું છે. સમગ્ર મામલે ડૉક્ટર એસોસિએશન અને મેડિકલ કાઉન્સિલએ દખલગીરી કરી આ પ્રકારની કૂપ્રવૃત્તિ કરતા ડૉક્ટરને સબક શીખવવું અને હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવું જરૂરી બની જાય છે.