ચાલુ વર્ષ સપ્ટેમ્બર, 2023માં 2821 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
પાસા હેઠળ કાર્યવાહી કરવાના મામલે રાજ્ય પોલીસની કામગીરી ઘટી રહ્યાનું આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ અન્ય શહેરોની સરખામણીમાં ક્રાઈમ રેટ વધી રહ્યો હોવા છતાં પણ અમદાવાદ પોલીસ પાસાની કાર્યવાહીમાં કાચબા ગતિએ ચાલી રહ્યાનું વલણ જોવા મળ્યું છે. શહેરમાં ક્રાઈમ રેટ વધ્યો હોવા છતાં પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શહેર પોલીસે 39 ટકા પાસાના કેસો ઓછા કર્યાનો રિપોર્ટ આવ્યો છે. અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જમાં પણ પાસાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રાઈમ રેટ વધવા પાછળ પોલીસે પાસાની કાર્યવાહી કરવામાં અપનાવેલી ઢીલી નિતી જવાબદાર હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં ગત વર્ષે સપ્ટેમ્બર,2022 સુધીમાં 2732 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષ સપ્ટેમ્બર,2023માં 2821 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા હતા. આમ, ગત વર્ષની સરખામણીમાં આ રેશીયો 3 ટકા વધ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેર, અમદાવાદ અને ગાંધીનગર રેન્જમાં પાસાના કેસો ગત વર્ષની સરખામણીએ ઘટયા હતા. અમદાવાદ શહેર પોલીસે 2022માં સપ્ટેમ્બર માસ સુધી 877 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા હતા જેની સામે ચાલુ વર્ષે નવ માસના સમયગાળામાં માત્ર 535 લોકો સામે પાસાની કાર્યવાહી થઈ આમ આ કેસોમાં 342નો ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ વધી રહ્યો હોવા છતાં પણ પોલીસ પાસાના કેસો કરવામાં કેમ ઢીલી નિતી અપનાવી રહી છે, તે મોટો સવાલ છે.
રાજ્યમાં પાસાના કેસોમાં માત્ર ત્રણ ટકા વધારા સામે અન્ય રેન્જોમાં આ કાર્યવાહીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ રેન્જનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ બોર્ડર, વડોદરા, ગોધરા અને સુરત રેન્જમાં પાસાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યના ચાર શહેરોમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાસાના કેસોમાં વધારો થયો છે. જેમાં સુરત શહેરમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષ 339 કેસો વધુ કરવામાં આવ્યા છે.