ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત શુક્રવારે (30 ડિસેમ્બર)ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલ પંતને આઈસીયુમાંથી પ્રાઇવેટ રૂમમાં ખસેડવામાં આવ્યો છે.
શુક્રવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને આઈસીયુમાંથી પ્રાઇવેટ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર તે ઝડપથી રિકવર થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે કે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને એવી પણ ચર્ચા છે કે BCCI રિષભ પંતના પગના લીગામેન્ટ ટ્રીટમેન્ટ માટે વિદેશ મોકલવાનો નિર્ણય પણ લઈ શકે છે.
- Advertisement -
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત શુક્રવારે (30 ડિસેમ્બર)ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તરાખંડમાં પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને તે કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. અકસ્માત બાદ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રિષભ પંતની કારનો અકસ્માત શા માટે થયો તે કારણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પોલીસનું માનવું છે કે, રિષભ પંત ઊંઘી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. મહત્વનું છે કે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીસીસીએ) અનુસાર, કારને ખાડાઓમાંથી બચાવવાના પ્રયાસમાં રિષભ પંતનો અકસ્માત થયો હતો.
અકસ્માતમાં પંતને ક્યાં- ક્યાં પંહોચી ઇજા
આ અકસ્માતમાં પંતના માથામાં બે કટ થયા હતા અને જમણા પગના ઘૂંટણનું લિગામેન્ટ પણ તૂટી ગયું હતું, આ સિવાય તેના જમણા હાથના કાંડા, એડી અને અંગૂઠામાં પણ ઈજા થઈ છે અને પીઠ પર પણ ઊંડા ઈજાના નિશાન છે. તેની ગંભીર ઇજાઓને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આગામી કેટલાક મહિનાઓ સુધી મેદાન પર ઉતરી શકશે નહીં.
આરામ કરવાનો સમય નથી મળતો
રિષભ પંતના પરિવારનું કહેવું છે કે વારંવાર મુલાકાતીઓ આવવાના કારણે રિષભ પંત યોગ્ય રીતે આરામ કરી શકતો નથી. હોસ્પિટલની મેડિકલ ટીમ પણ કહે છે કે રિષભને ઝડપથી સ્વસ્થ થવા માટે માનસિક અને શારીરિક આરામની જરૂર છે પણ મુલાકાતીઓ તેને મળવા સતત આવી રહ્યા છે. સ્ટાફનું કહેવું છે કે હાલમાં લોકોએ એમને મળવાનું ટાળવું જોઈએ. જણાવી દઈએ કે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિષભને મળવા માટે ઘણા હાઈપ્રોફાઈલ લોકો સતત આવી રહ્યા છે જેમાં રાજકારણ સાથે જોડાયેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.