16 કામધેનુ સૂત્રથી ભારતના લુપ્ત થતા 56 અને વિશ્વના 300 ગોવંશની સુરક્ષાનું ધ્યેય
ભારત ભૂમિ 10 કરોડ અને વિશ્ર્વ 100 કરોડ પૂર્ણ જાતવાન-દૂધાળ ગોવંશથી સંપન્ન થાય, એ ગોવેદનો મહામંત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ ભારતના ગામડાઓની યાત્રા દરમિયાન ગીર-કાંકરેજ અને ભારતીય ગોવંશની લુપ્તતા જોઇને. ઇ.સ. 2000માં ‘ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે” સુત્ર આપ્યું. ઇ.સ.2005માં ગીરનાર પરિક્રમાં કરીને 10 લાખ ગીર ગાય નિર્માણનો અને ઇ.સ.2016માં ઉત્તર ગુજરાતના અંબાજીથી કચ્છના કોટેશ્વર સુધી કાંકરેજ ગાય આપણા આંગણે યાત્રા કાઢીને 11 લાખ કાંકરેજ ગાય નિર્માણનો હજારો ગામોને સંકલ્પ લેવડાવ્યો. હજારો ગામોની યાત્રા કરીને ગીર-કાંકરેજ ગાયના 8 લાખ પુસ્તકોનું વિતરણ કર્યું. જેથી ગીર- કાંકરેજ ગાયનું 11 લાખ રૂ. સુધી અને નંદીનું 30 લાખ રૂ. સુધી મૂલ્ય થયું. ગાયના દૂધ-ઘી સોના સમાન થયાં. વિદ્વાનોએ આ પરિવર્તનને ‘ગોક્રાંતિ’ નામ આપ્યું. મનસુખભાઇ સુવાગીયા ગોક્રાંતિના પ્રણેતા તરીકે રાહબર બન્યા. ભારતના લુપ્ત થતા 50થી વધુ અને વિશ્વના 300થી વધુ ગોવંશને સુરક્ષિત કરીને માનવ- કૃષિ-રાષ્ટ્ર અને જગતની કામધેનુ સિદ્ધ કરવાના ધ્યેયથી ગીર જંગલમાં ખજુરી નેસમાં લાખુમા અને નનાભાઇ આહીરના આંગણે 111 દિવસ નિવાસ કરીને ગોવેદ લેખન કર્યું. ગોઉત્પતિથી પ્રારંભ કરીને કામધેનુ રૂપ ગાય અને જાતવાન નંદીના 36 લક્ષણ, ગાયની 56 ઓળખ, ગોપાલન વિજ્ઞાન, જાતવાન-દૂધાળ ગોવંશ નિર્માણ, 16 કામધેનું સૂત્રના અમલથી ગોસંપન્ન ભારત-ગોસંપન્ન વિશ્વના 76 પ્રકરણ સાથે 250 પાનાનાં ગોવેદ મહાગ્રંથની રચના કરી. પુરાણોમાં શિવ પરમાત્મા વિશેના વર્ણન સાથે તરૂણા વસ્થામમં જ મનસુખભાઇનો આત્મા સંમત ન થયો. 40 વર્ષની જિજ્ઞાસા અને ગોતપના ફળ સ્વરૂપે ખજુરીનેસના નાનકડા શિવાલયમાં એક દિવસ મનસુખભાઇ સુવાગીયાને શિવ પરમાત્મા અને શિવાલયનું આત્મજ્ઞાન થયું. જેનું વર્ણન ગોવેદના 6ઠા પ્રકરણમાં છે, “શિવ” વિશ્વ પરમાત્મા અને શિવાલય વિશ્વધર્મ સ્થાન બનશે એ મનસુખભાઇ સુવાગીયાની પૂર્ણ શ્રદ્ધા છે. ગોવેદ નામ :- ઋષિતૂલ્ય વિદ્વાન સાહિત્યકાર નિરંજનભાઇ રાજ્યગુરુ ઘોઘાવદરે ત્રણ વખત ગોવેદનું વાંચન કરીને જણાવ્યું કે, ઋગ્વેદથી લઇને અનેક શાસ્ત્રોમાં ગોમહિમાના 5-25 મંત્રો છે. પરંતુ 1.ગાયનું ભૌતિક અને સુક્ષ્મ દિવ્ય સ્વરૂપ, 2.ગાયની ઉપયાગિતા, 3. ભારતીય ગોવંશ વિનાશના કારણો, 4.પૂર્ણ જાતવાન-દુધાળ ગોવંશ નિર્માણ અને 5.ગાયનો જીવન આધાર પ્રકૃતિના વર્ણનનો આ પ્રથમ ગ્રંથ હોઇ ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ “ગોવેદ” નામકરણ કરેલ છે. ગોવેદ જ્ઞાનથી ગાય વિશ્વ કામધેનું બનશે અને ગોવેદ-વિશ્વ ધર્મગ્રંથ તરીકે સ્વીકાર્ય બનશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી. વિશ્વ પ્રેરક ગોવેદને સન્માન આપીને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તારીખ 26 ડીસેમ્બરે સવારે ગોવેદ માહાગ્રંથને ઉમિયા માતાજી મંદિરમાં પધરાવવામાં આવ્યો. બપોરે હાથીની અંબાડી ઉપર ગોવેદ પધરાવીને ભેખડિયા(ગુજરાત)-જામલી(મધ્યપ્રદેશ)-તિનસમાળ(મહારાષ્ટ્ર)ના 100 આદિવાસી ભાઇઓ-બહેનોનું તિરકામઠું-ધારિયા સાથેનું નૃત્ય તથા સૌરાષ્ટ્રનું મહિલા મેર રાસમંડળ અને ખાખી જાળિયાની આહિર રાસ મંડળી સાથે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી. જેણે હજારો લોકોને રોમાંચિત કર્યા.
- Advertisement -
ગોવેદનું વિમોચન ઉમિયા માતાજી મંદિર-સિદસરની ભૂમિમાં તા.26/12/2024 ગુરુવારના રોજ સભાના અધ્યક્ષ પુરુષોતમભાઇ રૂપાલા, જેરામભાઇ વાંસજાળિયા, ડો.પાંચાભાઇ દમણિયા, લાખુમા વણઝર, જૈન અંગ્રણી અરવીંદભાઇ સંઘવી અને મહેમાનોના હસ્તે ગોવેદનું વિમોચન થયું. આ ઐતિહાસિક પ્રસંગે દલિત, વાલ્મિકી, દેવીપુજક, આદિવાસી, કોળી, સતવારા, રબારી, ભરવાડ, ચારણ, આહીર અને પટેલ સમાજની 15 દિકરીયોને ગોવેદ અને તલવાર ભેટ આપીને, શાસ્ત્ર અને શસ્ત્રથી ગાય, સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાનો હિન્દુ પ્રજાને સંદેશ આપવામાં આવ્યો છે. આ ક્રાંતિકારી પગલું વૈરાગ્યવાદી સંપ્રદાયોથી ક્ષીણ થયેલ સંસ્કૃતિ અને રાષ્ટ્રને પુન: વિશ્વગુરુ અને મહસત્તા બનાવશે. વિદ્વાન રાજપુરુષ પરસોતમભાઇ રૂપાલાએ ઇશ્વરિય શુભ સંકેત ગણાવ્યો હતો. મનસુખભાઇને ગાય-પાણી અને રાષ્ટ્રના સાચા સાધક ગણાવી. તેના કાર્યો અમલ કરવા અને તેઓની સેવાને તન-મન-ધનથી સાથ આપવા સૌને અપીલ કરી હતી. ગોવેદના રચિયતા મનસુખભાઇ સુવાગીયાએ પ્રતિભાવમાં જણાવ્યુ કે, જાતપરિશ્રમ, આચરણધર્મ, સત્યનિષ્ઠા અને ત્યાગ એ સેવાનો પ્રાણ છે. ગોવેદનું સર્જન એ વિશ્વ ગોરક્ષા અને ગાયથી માનવ કલ્યાણની ઇશ્વરની યોજના છે, હું તો માત્ર નિમિત્ત છું. ગોવેદ જ્ઞાનથી ગાય વિશ્વ કામધેનુ સિદ્ધ થશે. જળક્રાંતિ ટ્રસ્ટ-પ્રારંભ કરેલ પાંચ યોજના જળક્રાંતિ, ગોરક્ષા, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી બીજરક્ષા અને દિવ્યગ્રામ યોજના ભારતને સૂવર્ણભૂમિ રાષ્ટ્ર બનાવશે. આ યોજનાઓના અમલથી ઇશ્વરે સર્જેલ સૃષ્ટિની શાશ્વત સુરક્ષા થશે.



