ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નીતિનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર કરવા માટે ભલામણ કરવા અંગેના બદનક્ષીકારક આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનો કેસના આરોપી નં. (1) અંગત મદદનીશ, (2) સુખરામભાઈ રાઠવા, (3) શૈલેષભાઈ પરમાર, (4) સી. જે. ચાવડા કોર્ટમાં પ્લી નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપીઓની સામે વોરંટ કાઢવાનો હુકમ કરેલો છે.
- Advertisement -
અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરી સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરીને રૂપિયા 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના ખોટા આક્ષેપો ફરિયાદી નીતિનભાઈ વિરુદ્ધ કરેલા હતા, જેના અનુસંધાને ફરિયાદી નીતિનભાઈએ ઉપરોક્ત તમામ વ્યક્તિઓને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જૂઠાણું ફેલાવા બદલ માફી માગવા જણાવેલું હતું, જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતા ચારેય કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ફરિયાદી નીતિનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરિયાદ દાખલ કરેલી હતી.
ફરિયાદી નીતિનભાઈની પોતાની કોર્ટ રૂબરૂની ફરિયાદમાં તેઓએ જણાવેલું હતું કે વર્તમાન પત્રોમાં તથા ઈલેકટ્રોનિક મીડિયામાં વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલું હતું.
ફરિયાદી નીતિનભાઈએ પોતાની ફરિયાદમાં વિશેષ એવી હકીકત જણાવેલી હતી કે કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલા હતા તેને કારણે બદનક્ષી થયેલ હોવાથી મૂળ ફરિયાદી નીતિનભાઈ ભારદ્વાજે અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ પરમાર, સી. જે. ચાવડા વિ. સામે બદનક્ષીની ફરિયાદ મૂળ ફરિયાદી રાજકોટમાં રહેતા હોય અને રાજકોટમાં તેમની બદનક્ષી થયેલી હોવાથી રાજકોટમાં નીચેની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી. તેઓ હાલમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય છે તથા ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળી રહ્યા છે અને અગાઉ પણ જૂનાગઢ અને અમરેલીમાં પ્રભારી તરીકેની કામગીરી કરી ચૂક્યા છે અને રાજકોટ મહાનગરપાલિકામાં 20 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપેલી છે તથા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વપ્રમુખ રહી ચૂક્યા છે.
વધુમાં ફરિયાદી નીતિનભાઈએ પોતાની ફરિયાદમાં એવી હકીકત જણાવેલી હતી કે તેઓ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એક આબરૂદાર, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને એક નિષ્ઠાવાન તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે તથા જાહેરજીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. તેઓએ ક્યારેય કોઈ નિયમ અને કાયદા વિરુદ્ધનું કાર્ય કરેલું નથી.
અંતમાં પોતાની ફરિયાદમાં નીતિનભાઈએ જણાવેલું હતું કે તેમ છતાં કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે મિલાપીપણું કરી, ગુનાહિત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે સમાજમાં તેઓની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલા છે જેના હિસાબે રાજકીય કારકિર્દી ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તેઓની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકસાન થયેલું છે.
સાથે ફરિયાદી નીતિનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવેલું હતું કે આરોપીઓ દ્વારા અલગ અલગ વર્તમાનપત્રોમાં તેઓની ગરિમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતના આધાર પુરાવાઓ વિના આરોપીઓ દ્વારા ‘વિરોધપક્ષના નેતાનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગર’વાળા લેટર હેડ મારફત તા. 23-2-2022ની અખબાર યાદીમાં ‘રૂા. 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી અપાયેલા ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરો- વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા’ તથા ‘ખાનગી કંપનીઓમાં નાગરિકોના ફસાયેલા નાણા પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર’ તથા ‘સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો, પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવો: કોંગ્રેસ પક્ષના દંડ સી. જે. ચાવડા.’
- Advertisement -
જેવી હેડીંગો હેઠળ તેઓ સામે ભ્રષ્ટાચારના તથ્યવિહીન અને તદ્દન ખોટા આક્ષેપો કરેલા છે. ફરિયાદી નીતિનભાઈએ પોતાની કોર્ટ રૂબરૂની ઉપરોક્ત હકીકતોવાળી ફરિયાદ દાખલ કરતાં નામદાર નીચેની કોર્ટે ફરિયાદી નીતિનભાઈ અને બે સાહેદોને તપાસેલા હતા. તમામ કાર્યવાહીના અંતમાં નામદાર નીચેની કોર્ટે ફરિયાદ પરત કરેલી હતી જે હુકમ વિરુદ્ધ ફરિયાદી દ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલી હતી, જે રીવીઝન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામદાર નીચેની કોર્ટનો હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ ચલાવવાનો યોગ્ય હુકમ કરેલો હતો.
હાલની ફરિયાદ દાખલ થયા બાદ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી તેઓને નામદાર કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલો હતો, જે બાદ ઘણી મુદતો વીતી જતાં હાલના આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલા ન હતા. ઘણી મુદતો વીત્યા બાદ ફરિયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતા નામદાર કોર્ટે ફરિયાદપક્ષની અરજી મંજૂર કરી તમામ આરોપીઓ સામે વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરેલો છે. આ કામમાં ફરિયાદી નીતિનભાઈ ભારદ્વાજ તરફે એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, કૃણાલ દવે, ચેતન પુરોહિત વિગેરે રોકાયેલા હતા.