સરવે ન કરાવવાની મુસ્લિમ અરજદારોની માગ ઠુકરાવાઇ: દિવાલ-શિવલિંગથી સાબિત થયું કે આ મંદિર છે, જોકે પુરાવા માટે સરવે જરૂરી છે : હિન્દુ અરજદારોના વકીલ
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાાનવાપી મસ્જિદનાં સંપૂર્ણ પરિસર અને ઇમારતના સરવેની માગણીને વારાણસીની કોર્ટે સ્વીકારી લીધી છે. જેને પગલે હવે એએસઆઇ દ્વારા આ મસ્જિદના વજુખાનાના ભાગને છોડીને સંપૂર્ણ ઇમારતનો વૈજ્ઞાાનિક સરવે કરવામાં આવશે. હિન્દુ પક્ષકારોની માગણીને કોર્ટે સ્વીકારી લીધી હતી. જેથી હિન્દુ પક્ષકારો અને સ્થાનિક સંગઠનોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ મસ્જિદમાં અગાઉ શિવલિંગ મળ્યાનો દાવો થઇ ચુક્યો છે. મુસ્લિમ પક્ષકારોની સરવે ન કરાવવાની માગણીને નકારવામાં આવી હતી.
- Advertisement -
જે વજુખાના વિસ્તારનો સરવે નહીં કરવામાં આવે ત્યાં શિવલિંગ હોવાના દાવાને પગલે આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે તેથી આ વિસ્તારને છોડીને બાકીની બધી ઇમારતોનો સરવે કરવામાં આવશે. શિવલિંગનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. હિન્દુ સંગઠનોએ કરેલી અરજીની સુનાવણી વારાણસી કોર્ટના જજ એકે વિશ્વેસ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુ પક્ષકારો તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો હતો કે જે સરવે કરવાનો આદેશ આપ્યો છે તેની સમગ્ર પ્રક્રિયાને ત્રણથી છ મહિનામાં પૂર્ણ કરી લેવામાં આવશે. જૈને વધુમાં જણાવ્યું હતું કે અમને જાણકારી આપવામાં આવી છે કે હિન્દુ પક્ષકારોની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને સાથે જ આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને આદેશ આપવામાં આવ્યો છે કે આ સરવેને શરૂ કરવામાં આવે.
આ સરવે પ્રક્રિયામાં અમે પણ ભાગ લઇશું અને તેને ત્રણથી છ મહિનામાં પૂર્ણ કરી લેવામાં આવી શકે છે. આ વર્ષે મે મહિનામાં પાંચ હિન્દુ મહિલાઓએ વારાણસીની કોર્ટમાં અરજી કરી હતી અને મસ્જિદમાં શ્રીંગાર ગૌરી સ્થળે પૂજા કરવાની છૂટ આપવાની માગણી કરી હતી. આ મસ્જિદમાં શિવલિંગ હોવાનો હિન્દુ પક્ષકારોનો દાવો છે કે જ્યારે મુસ્લિમ પક્ષકારોએ દાવો કર્યો છે કે તે શિવલિંગ નહીં પણ ફુવારો છે. મુસ્લિમ પક્ષકારોએ એએસઆઇના સરવેનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ સરવેથી મસ્જિદના કોમ્પ્લેક્સને નુકસાન થશે.