નાના મવા સર્કલ જમીન મુદ્દે ઓમ નાઈન સ્કવેર, ગોપાલ ચુડાસમા અને ભાગીદારો નિર્દોષ હોવાની ઉપસતી છાપ
બે શખ્સોનો દાવો: ‘અમારી જમીન પણ નીકળે છે!’, મેટર રાજકોટ કોર્ટમાં પેન્ડિંગ: પેમેન્ટ મામલે ગોપાલ ચુડાસમા અને ભાગીદારોનો પક્ષ પણ વાજબી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નાનામૌવા સર્કલ પાસે આવેલા રૂ.118 કરોડના પ્લોટની હરાજી મનપા દ્વારા કરાયા પછી 33 મહિના વિત્યા બાદ પણ પાર્ટી પાસેથી રૂ. 101 કરોડની વસુલાત બાકી હોવાના અહેવાલો વિવિધ મીડિયામાં પ્રસિદ્ધ થયા છે. આ વિશે જાણવા મળતી વધુ વિગત મુજબ ગોપાલ ચુડાસમા અને ચેતન રોકડ નામના ભાગીદારોએ મનપા પાસેથી હરાજીમાં ખરીદેલા પ્લોટની બાકી રકમ એટલે નથી ભરી કારણ કે મનપાના પ્લોટ પર અન્ય બે વ્યક્તિ દ્વારા માલિકી હકનો દાવો કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ જ્યારે ઓમ નાઈન સ્કવેર-કકઙ નામની પેઢીએ આ પ્લોટ ઑનલાઈન હરાજીથી ખરીદ કર્યો હતો. દરમિયાન એક ક્ષત્રિય અને એક પાટીદાર વ્યક્તિએ આ જમીનમાં તેમની જમીન પણ નીકળતી હોવાનો દાવો કર્યો હતો. આ દાવા અંગે ઓમ નાઈન સ્કવેરનાં ભાગીદારોને માહિતી પૂરી પાડવામાં નહોતી આવી. હાલ આ મામલો સબ-જ્યુડિશ હોવાથી આ કંપની (જેમાં ગોપાલ ચુડાસમા એક પાર્ટનર છે) બાકીનું ચૂકવણું કરે તો ફસાઈ જાય તે સ્વાભાવિક છે. આમ હાલ આ મામલે ઓમ નાઈન સ્કવેર તથા ગોપાલ ચુડાસમા સહિતનાં તેનાં ભાગીદારોનું સ્ટેન્ડ પણ સમજી શકાય એવું છે.
મનપા દ્વારા શહેરના નાના મૌવા સર્કલ ખાતે આવેલ 9438 ક્ષેત્રફળના પ્લોટની વર્ષ 2021માં ઓનલાઇન હરાજી રાખવામાં આવી હતી. જેમાં 3 અલગ-અલગ પેઢીએ ભાગ લીધો હતો. આ પ્લોટની અપસેટ કિંમત 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં ગોપાલ ચુડાસમાની ઓમ નાઇન સ્કવેર એલએલપી નામની પેઢીએ રૂપિયા 118,16,37,600 કિંમતે ખરીદવા બોલી બોલતા તે ભાવે જમીન આપવા ઠરાવ કર્યો હતો.
હરાજીમાં ખરીદેલા પ્લોટના નિયમ મુજબ ગોપાલ ચુડાસમાએ 30 ટકા રકમ ભરપાઈ કરી હતી. અને બાકીની 70 ટકા રકમ પછીના 30 દિવસમાં ભરપાઈ કરવાની શરત હતી. પરંતુ આ પ્લોટ પર કોઈ અન્યની માલિકીની હોવાનો દાવો કરતો કેસ બે વ્યક્તિ દ્વારા મનપા ઉપર કરવામાં આવ્યો હતો. જેને કારણે ગોપાલ ચુડાસમા અને ચેતન રોકડએ બાકીની રકમ ભરી નહતી.
નાના મૌવા સર્કલે આવેલા પ્લોટની વાસ્તવિકતા
મનપાના પ્લોટમાં માલિકી હક્કનો દાવો ચાલતો હતો છતાં હરાજી કરાઇ
હરાજી સમયે પ્લોટમાં દાવો હોવા અંગેની વાત મનપા દ્વારા છૂપાવાઇ
ગોપાલ ચુડાસમા અને ચેતન રોકડે જેવી હરાજીમાં જમીન લીધી કે પરસાણા પરિવાર અને ક્ષત્રિય પરિવારની માલિકી હોવાની નોટિસ શરૂ થઈ
કોર્ટ મેટર ત્રણ વર્ષથી ચાલે છે છતાં કોર્પોરેશનના એકપણ વકીલ કે અધિકારી એકવાર પણ કોર્ટમાં હાજર રહ્યા નથી
નાઇન સ્કવેર એલએલપી એક પ્રતિષ્ઠિત પેઢી, સેન્ટ્રલ રેલવે પાસેથી ખરીદેલી જમીનની રકમમાં 4 વર્ષ મુદત હોવા છતાં 6 મહિનામાં આપી દીધી
મનપાએ હરાજીમાં આપેલા પ્લોટનું ટાઇટલ ક્લિયર કરાવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે
ગોપાલ ચુડાસમા અને ચેતન રોકડે પ્લોટની 30 ટકા રકમ આપી દીધી છે, 10 ટકા જ રકમ આપ્યાની વાત અફવા છે