ટીંબાવાડી સર્વે નં.116ની સરકારી જમીન વેંચી નાખવાનો મામલો
મનપા જનરલ બોર્ડમાં બનાવટી ઠરાવનો આક્ષેપ : જૂનાગઢ મનપા જમીન મુદ્દે ફરી વિવાદમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકાએ ટીંબાવાડીની સર્વે નં.116 વાળી જમીન પોતાની ગણીને વેંચી નાખી હતી. આ બાબતે કોર્ટ મેટર ચાલી રહી હતી. ત્યારે થોડા દિવસો પહેલા સરકારના આદેશ મુજબની જમીનની હરરાજીથી મળેલ રૂપિયા સરકારમાં પરત જમા કરવાનો મનપા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને ઠરાવને બહાલી આપનાર વિરૂઘ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી હતી.
પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા અંતે અરજદાર રાકેશ ગોવિંદભાઇ ડવ દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ દ્વારા તા.23-1-2004 જૂનાગઢ મનપામાં ટીંબાવાડી ગ્રામ પંચાયતની કોઇ પણ જમીન મનપામાં ભેળવવામાં આવી ન હતી છતાં પણ સર્વે નં.-116 વાળી જમીન તા.18-7-2006ના ગણેશ બિલ્ડરને વેંચી સરકારના પરિપત્ર વિરૂઘ્ધ જનરલ બોર્ડમાં ખોટો અને બનાવટી ઠરાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જમીન અંગે લેન્ડગ્રેબીંગ તથા દિવાની દાવા અદાલત સમક્ષ પેન્ડીંગ છે તેવામાં તા.19-10-2023ના મનપાની સાધારણ સભામાં આ જમીન સરકારની માલિકિની હોઇ જમીનની ઉપજેલ રકમ સરકારમાં જમા કરવા જૂનાગઢ જિલ્લા કલેકટરે જણાવેલ છે તે પરંતુ કલેકટર દ્વારા મોકલાયેલ પત્રમાં જમીન મનપાના નામે થઇ જશે તેવો કોઇ ઉલ્લેખન છે નહીં.
આ મસગ્ર મુદ્દે રાકેશભાઇ ડવ દ્વારા મનપાના કમિશ્નર, સ્ટેન્ડીંગ ચેરમેન, સ્ટેન્ડીંગના સભ્યો, મેયર અને ઠરાવને બહાલી આપનાર તમામ નગરસેવકો વિરૂઘ્ધ આઇપીસી કલમ 463, 464, 465, 466, 467, 471 મુજબ જૂનાગઢ ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મનપા અધિકારી અને પદાધિકારીએ મળી સરકાર જમીન પર પોતાનો અધિકાર ન હોવા છતાં ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કીર ગેરકાયદેસર રીતે વેંચાણ કર્યુ હોવાનો આક્ષેપ છે.
આ તમામ વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં માંગ કરવામાં આવી છે.
તા.21-10-2023ના બી-ડીવીઝન પોલીસમાં લેખિત ફરિયાદ આપેલ હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરતા અંગે જવાબદારો સામે કોર્ટમાં ફરિયાદ કરવાની ફરજ પડી હોવાનું ફરિયાદમાં જણાવ્યુ છે. કોર્ટમાં કરેલી ફરિયાદ સાથે શહેરી વિભાગનો નોટીફિકેશન, મનપાએ કરી આપેલ દસ્તાવેજ સહિતના તમામ આધારપુરાવાઓ રજુ કર્યા છે. હવે કોર્ટ દ્વારા આ અંગે શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યું.