પત્રકારો ચિઠ્ઠીનાં ચાકર (પ્રેસનોટ લેનાર-છાપનાર) બની રહ્યાં છે.
ગુજરાતી પત્રકારો આઝાદ નથી, તેઓ સ્વતંત્ર રીતે કોઈને પણ પૂછ્યા વિના રિપોર્ટીંગ કરવા જઈ શકતા નથી, કોઈનો પણ ઈન્ટરવ્યું લઈ શકતા નથી.
ભારત દેશ આઝાદ છે, મીડિયા સ્વતંત્ર છે પરંતુ આ આઝાદ દેશમાં રહેતા અને સ્વતંત્ર મીડિયામાં જોડાયેલા પત્રકારોને પત્રકારત્વ કરવાની કેટલી છૂટછાટ મળે છે? જવાબ છે, નહીંવત. ખાસ કરીને ગુજરાતી પત્રકારત્વ જગતમાં પત્રકારો ચિઠ્ઠીના ચાકર (પ્રેસનોટ લેનાર-છાપનાર) બની રહ્યાં છે. ક્યારેક પત્રકારોએ લીધેલી-આપેલી પ્રેસનોટ કંપોઝ થવાની જગ્યાએ સીધી જ કચરા ટોપલીમાં ચાલી જાય છે. પત્રકારે કરેલી એક્સલ્યુસિવ સ્ટોરી કવરપેઈજ પર છપાવવાને બદલે એડિટ થઈ અંદરના પાના પર બે કે ત્રણ કોલમમાં આવી જાય છે. ભાગ્યે જ કોઈ એવું ગુજરાતી મીડિયાહાઉસ બચ્યું છે જ્યાં છૂટથી પત્રકારોને સમાચાર લઈ આવવાની અને એ સમાચાર કોઈને પણ બતાવ્યા કે પૂછ્યા વિના લખી નાખવાની તથા છાપી દેવાની પરવાનગી મળે છે.
ક્યારેક પત્રકારે કરેલી એક્સક્લુઝીવ સ્ટોરી કવરપેઈજ પર છપાવવાને બદલે એડિટ થઈ અંદરના પાના પર બે કે ત્રણ કોલમમાં આવી જાય છે.
હવે પત્રકારો સંપાદકોને અને સંપાદકો તંત્રીને અને તંત્રી માલિકોને પૂછ્યા વિના એક લીટી પણ લખી કે છાપી શકતા નથી એ હકીકત છે. આ સનસનાટીભર્યા સત્ય સામે ભલે બધા આનાકાની કરતા રહે પણ સચ્ચાઈ એ છે કે, અખબારો કે સામયિકોમાં શું છપાશે, શું નહીં એ તંત્રી, સંપાદક, પત્રકાર નહીં પરંતુ અખબારના માલિકો નક્કી કરતા થઈ ગયા છે અને એટલે જ આઝાદ દેશના સ્વતંત્ર મીડિયામાં ગુજરાતી પત્રકારને કોઈ વિશેષ છૂટછાટથી કામ કરવા મળતું નથી. જે-તે અખબાર કે સામયિકના સર્વેસર્વા પાસે પોલિસી નામની એક સેન્સર છે અને એ સેન્સરના કારણે પત્રકારોના કલમ-કેમેરા એટલું જ લખી-દર્શાવી શકે છે જે અખબાર કે સામયિકના માલિકોને મંજૂર છે, માલિકો પાસે તંત્રી, સંપાદક, પત્રકારનું ચાલતું નથી, માલિકોને પણ જવાબ આપવા પડતા હોય છે અને મીડિયાહાઉસને ચાલતું રાખવું હોય છે.
પ્રેસની આઝાદીથી દુનિયાના કોઈપણ દેશની અભિવ્યક્તિની આઝાદીની જાણ થાય છે. ગુજરાતી પ્રેસ આઝાદ છે પણ ગુજરાતી પત્રકારો આઝાદ નથી. તેઓ સ્વતંત્ર રીતે કોઈને પણ પૂછ્યા વિના રિપોર્ટીંગ કરવા જઈ શકતા નથી, કોઈનો પણ ઈન્ટરવ્યું લઈ શકતા નથી. કોઈ પત્રકારે આખો દિવસ રિપોટિંગ કરી લાવેલા સમાચાર પૂરેપૂરા પ્રસિદ્ધ થશે જ તેની પણ કશી ખાતરી હોતી નથી. ક્યારેક પત્રકારે કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધી હોય અને સંપાદક-તંત્રીને યોગ્ય લાગી હોય તો તે કમ્પોઝ થવા સુધી પહોંચી હોય છે પણ જેવી માલિકની નજર એ મુલાકાત પર જાય અને માલિકને યોગ્ય ન લાગે તો તે મુલાકાતની જગ્યાએ અંતે અખબાર કે સામયિકમાં કોઈ બીજી ખબર પ્રસિદ્ધ થઈને આવે છે!
મોટાભાગના અખબારો કે સામયિકોના પતન પાછળ મુખ્યત્વે માલિકોની વધુ પડતી દખલગીરી જવાબદાર હોય છે. એક તો અખબારો કે સામયિકોના માલિકો પત્રકારત્વ વિશે વધુ જાણકારી ધરાવતા હોતા નથી, શું છાપવું, શું નહીં તેના વિશે પણ તેમને વધુ ગતાગમ હોતી નથી. માત્ર માલિક હોવાના નાતે અને માલિકપણું દર્શાવવા તેઓ તંત્રી, સંપાદક અને પત્રકારોના કાર્યમાં વ્યક્તિગત-વૈચારિક અડચણો ઉભી કર્યા કરતા હોય છે. જોકે તમામેતમામ અખબારો કે સામયિકોના માલિકો આવા નથી હોતા, ક્યારેક તંત્રી પણ આ પ્રકારના હોય છે. ગુજરાતી પત્રકારત્વમાં આજકાલનું નહીં પરંતુ બે સદીથી અખબાર કે સામયિકના માલિકોનું વલણ વિચિત્ર છે. મોટાભાગે અંગત રાગ, દ્રેષ અને લઘુતાગ્રંથીથી ભરેલું છે. એક કે એકથી વધુ માલિકોનું ખટપટીયુ વલણ વધુ સમય સુધી તંત્રીને રુચતું નથી. અંતે માલિક અને તંત્રીના વૈચારિક મતભેદોમાં મરો પત્રકારોનો થાય છે.
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વ જગત પર છેલ્લા કેટલાંક સમયથી વિચારો હાવી થતા આવ્યા છે જ્યારે અન્ય ભાષાના પત્રકારત્વ જગતમાં હંમેશા વાસ્તવિકતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બસ આ જ તફાવતથી આજે ગુજરાતી પત્રકારત્વ જગતનો ભૂતકાળ ઉજળો હોવા છતાં વર્તમાન જોઈએ તેટલો સુવર્ણ દેખાતો નથી. માલિક, તંત્રી, સંપાદકના વૈચારિક – વ્યક્તિગત મંતવ્યોની તકરાર વચ્ચે સમાચારનું સત્ય બાજુ પર રહી જાય છે અને પત્રકારોની સ્વતંત્રતાનું હનન થઈ જાય છે.
ગુજરાતી મીડિયા પર ખુદ ગુજરાતી લોકો તટસ્થતાના સવાલ ઉઠાવી રહ્યાં છે. ગુજરાતી પત્રકારત્વ અને પત્રકારોની દશા – દિશા પર વ્યાખાનો યોજાઈ રહ્યાં છે. આ પરિસ્થિતિમાં જો કોઈ પત્રકાર પોતાને થતા અન્યાયો વિશે સાચું બોલવાનો પ્રયત્ન કરે છે તો તેને રોજીરોટી ગુમાવવાનો વારો પણ આવે છે. લોકશાહીના ચોથા આધારસ્તંભનો સિપાહી દબાયેલો અને ડરેલો છે એ ચિંતાજનક બાબત છે.
- Advertisement -
પત્રકારોમાં ઉત્સાહ અને આવડતના અભાવ પાછળનું મુખ્ય કારણ એ છે કે, જે-તે અખબાર કે સામયિકના વડાઓ પોતાના પત્રકારોને પત્રકારત્વ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપતા નથી. પત્રકારને પત્રકારત્વ કરવા માટે જોઈતી છૂટછાટ ન મળવાના કારણે તે નિરાશ-હતાશ થાય છે અને પછી તેનો પોતાના કાર્ય પરથી રસ ઉઠી જાય છે. ક્યારેક એવું પણ બને છે કે, પત્રકાર કશું નવું કરવા પ્રેરાતો નથી અને પ્રેસનોટ સિવાયની અન્ય કોઈ બાબતમાં ધ્યાન આપતો નથી. નવા પત્રકારોનું બાળમરણ ન થઈ જાય કે પછી પત્રકારત્વમાં પ્રવેશેલી કોઈપણ વ્યક્તિ આ ક્ષેત્રથી વિમુખ ન થાય તે જોવાની જવાબદારી પ્રિન્ટ અને ડિજીટલ મીડિયાના માલિકો, સંચાલકો, એડિટરોની છે, મેનેજમેન્ટની છે. ખંત અને ખુમારીવાળા પત્રકારોને જન્મ આપવાની નૈતિક ફરજ મીડિયા ગ્રુપોની છે.
પત્રકારોમાં છૂપાઈ પડેલા હીરને ઝળકાવવા અને તેમનામાં રહેલા પત્રકારના ગુણોનો સંપૂર્ણ વિકાસ કરવા માલિકથી લઈ તંત્રી અને સંપાદકે પોલિસી નામના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી પત્રકારોને મોકળાશથી પોતાનું કાર્ય કરવાની સ્વતંત્રતા આપવી પડશે. પત્રકારો દ્વારા લોકશાહીના હિતમાં લઈ આવવામાં આવતા તમામ સમાચારો પ્રસિદ્ધ કરવાની તૈયારી માલિકો અને તંત્રીઓએ સાથે મળી દર્શાવવી જોઈએ. જો પત્રકાર સત્યને ઉજાગર કરવા કશી ચિંતા નથી કરતો તો પછી પત્રકારે ઉજાગર કરેલા સત્યને પ્રસિદ્ધ કરવા માલિક અને તંત્રીએ શું ચિંતા કરવી જોઈએ? ટૂંકમાં સીધી-સરળ વાત છે, પત્રકારોને જોઈતી છૂટછાટ આપી તેમને સત્યની શોધ કરવા દ્યો, સાચી માહિતી સમાચાર સ્વરૂપે અખબારો કે સામયિકો દ્વારા વાંચકો સુધી પહોંચવા દ્યો. પત્રકારત્વને મળેલી સંપૂર્ણ સ્વતંત્રતાનો ફાયદો ફક્ત જે-તે પત્રકારને નહીં માલિકો, તંત્રીઓ, તેમના અખબારો કે સામયિકો સહિત ગુજરાતી પત્રકારત્વ અને સર્વે સમાજને થશે.
વધારો : સંયુક્ત રાષ્ટ્ર સંઘ મહાસભા દ્વારા 1993માં 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દર વર્ષે ગિલેરમો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવા વ્યક્તિ અથવા સંસ્થાને અપાય છે, જેણે પ્રેસની આઝાદી માટે અસરકારક કામ કર્યું હોય. આશ્ચર્યજનક રીતે ભારતના એકપણ પત્રકાર અથવા સંસ્થાને આ એવોર્ડ અપાયો નથી.