કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનિ રાડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ રાહતલક્ષી બજેટને આવકાર્યું હતું. આ બજેટમાં વર્તમાન વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી, નવા વેરાઓ લાદવામાં આવ્યા નથી અને પ્રોફેશનલ ટેકસમાં માસિક રૂ.12 હજારથી ઓછી આવક ધરાવનારને પ્રોફેશનલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રને બજેટમાં જે મહત્વની ફાળવણી કરવામાં આવી છે તેમાં ભાવનગરમાં રૂ.2 હજાર કરોડના ખર્ચે પીપીપી મોડલ પર સીએનજી ટર્મીનલ બનાવવામાં આવશે. વેરાવળ, બોટાદ અને ખંભાળીયામાં નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. દ્વારકામાં નવું એરપોર્ટ બનાવાશે. ભાવનગર અને જામનગરમાં પોર્ટ કનેકટીવીટી વધારવા માટે રૂ.370 કરોડનાં ખર્ચે નવા રીંગરોડ બનાવવામાં આવશે. અલંગ શિપયાર્ડની કેપેસીટી વધારવા વધુ પ્લોટ ફાળવાશે. નવલખી પોર્ટમાં જેટીનું બાંધકામ કરાશે. જામનગર અને જૂનાગઢમાં પ્રાદેશીક વિજ્ઞાન કેન્દ્ર સ્થાપાશે. સહેલાણીઓને હરવા ફરવાના સ્ત:લ તરીકે માંડવી, માધવપુર અને ગીર સોમનાથમાં બ્લ્યુ ફલેગ બીચ વિકાસાવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર માટે કુલ રૂ.7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગરીબ વર્ગ, ખેડૂત વર્ગ, વિદ્યાર્થીઓ, નાના ધંધાર્થીઓ સહિતના તમામ વર્ગને રાહતદાયી એવા પ્રજાલક્ષી બજેટને આવકારેલ છે.


