ફરી વખત માસ્ક પહેરવાનું ફરજીયાત કરાશે
24 કલાકમાં 2067 કેસ નોંધાયા : કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને એલર્ટના આદેશો જારી કર્યા : મહારાષ્ટ્રમાં પણ સંક્રમણ વધ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં કોરોના કાબૂમાં આવવા છતાં છેલ્લા ચારેક દિવસથી નવા કેસોમાં મોટી ચડ-ઉતર થઇ રહી છે. આજે ફરી દૈનિક કેસોએ મોઢુ ફાડ્યું હોય તેમ 2000થી વધુ કેસ નોંધાયા હતા. અને ગઇકાલની સરખામણીએ દૈનિક કેસમાં 66 ટકાનો મોટો વધારો થયો હતો. કેન્દ્ર સરકારે પાટનગર દિલ્હી સહિત પાંચ રાજ્યોને એલર્ટ રહેવા અને ટેસ્ટીંગ સહિતની પ્રક્રિયા વધારવાની સૂચના આપી છે.
ભારતમાં આજે ફરી એક વખત કોરોનાના કેસોમાં વૃધ્ધિ થઇ હોય તેમ છેલ્લા 24 કલાકમાં 2067 નવા કેસ નોંધાયા હતા. ગઇકાલની સરખામણીએ તેમાં 66 ટકાનો મોટો વધારો થયો છે. એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો હોય તેમ 12340 થઇ છે. અત્યાર સુધીનાં કુલ કેસ 4.30 કરોડ પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 480નો વધારો થયો છે. સાજા થતા દર્દીઓની ટકાવારી 98.76 ટકા પહોંચી છે. જ્યારે દૈનિક પોઝીટીવીટી રેટ 0.49 ટકા થયો છે. કોવિડનો મૃત્યુદર 1.21 ટકા રહ્યો છે. અત્યાર સુધીમાં 5.22 લાખ લોકોના મોત થઇ ગયા છે.
- Advertisement -
કેટલાક દિવસોથી પાટનગર દિલ્હી, હરિયાણા, ઉતરપ્રદેશ જેવા રાજ્યોમાં સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશનાં પાંચ રાજ્યોનાં આરોગ્ય વિભાગોને એલર્ટ રહેવાની સૂચના આપતાં પત્રો પાઠવ્યા છે. પાટનગર દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં સંક્રમણનો દર ત્રણ ગણો વધી ગયો છે. 11 એપ્રિલે દિલ્હીમાં સંક્રમણ 2.70 ટકા હતો તે 18 એપ્રિલે વધીને 7.72 ટકા થઇ ગયો છે.
તબીબોનાં કહેવા પ્રમાણે આવતા દિવસોમાં દૈનિક કેસોમાં હજુ વધારો થઇ શકે છે. પરંતુ હાલત ચિંતાજનક નથી. કારણ કે મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો માલુમ પડી રહ્યા છે. દિલ્હીમાં વધતા સંક્રમણને ધ્યાને રાખીને ફરી વખત માસ્ક પહેરવાનું ફરજીયાત કરતો કાયદો ઘડવા નિર્ણય લેવામાં આવશે.