ખાસ-ખબર સંવાદદાતા
સહકારી અગ્રણી, નાફકબ (ન્યુ દિલ્હી)ના ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
તા. 19 ને શુક્રવારે, જન્માષ્ટમીના દિવસે દિલ્હી સ્થિત વડાપ્રધાન નિવાસસ્થાને નરેન્દ્રભાઈ મોદીને મળી જ્યોતીન્દ્રભાઈ મહેતાએ તેમને સહકારી ધ્વજ અને પ્રાઉડલી કો-ઓપરેટીવ પ્રતીકવાળું રજત સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું. સાથોસાથ તેમની સાથેના વિવિધ મુલાકાતનાં સંભારણાં ફોટો આલ્બમ યાદગીરીરૂપે આપ્યું હતું. નરેન્દ્રભાઈએ મહેતા પરિવાર સાથેનો ઘનિષ્ઠ નાતો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સાથેના વિશિષ્ટ અને અમૂલ્ય સંભારણાં અને ખાસ કરીને થોડા સમય માટે રાજકોટમાં રહી કરેલાં અનેક કાર્યો, સંબંધીઓ-મિત્રોને સવિશેષ યાદ કર્યા હતાં. આ તકે જ્યોતીન્દ્રભાઈ મહેતાએ સહકાર જગતની ગઈકાલ-આજ અને આવતીકાલની ચર્ચા કરી હતી. તેમના પારિવારિક ટ્રસ્ટ મનુભાઈ તારાબેન ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા થતાં વિવિધ કાર્યોની માહિતી આપી હતી. આ મુલાકાતમાં જ્યોતીન્દ્રભાઈ મહેતાની સાથે તેમના આર્કિટેક્ટ પુત્ર રાહુલભાઈ, પુત્રવધૂ મેઘાબેન અને પૌત્ર પરમ જોડાયા હતા.