ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
પોરબંદર લોકસભા મતદાર વિભાગની સામાન્ય ચુંટણી 2024 અને 83 પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પોરબંદર પોરબંદર જિલ્લામાં આગામી તા.7 મેના રોજ થનાર છે, અને આ ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે ઉમેદવારો દ્વારા જાહેરાત અને પેઇડ ન્યુઝ અંતર્ગત દેખરેખ માટે એમ.સી.એમ.સીનો કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. એમ.સી.એમ.સી દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
ખાસ કરીને રાજકીય પક્ષના ઉમેદવારો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે પ્રચાર અંગેની જાહેરાતો પ્રસિદ્ધ કરાવતા હોય તેમના ઉપર ચૂંટણી ખર્ચને લઈને દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર કચેરી, સેવાસદન-1 માં ત્રીજા માળે એમ.સી.એમ.સીનો કંટ્રોલરૂમ કાર્યરત કરી અહીં 24 કલાક રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો પ્રસિદ્ધ થતી હોય તેમના ખર્ચ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારોને જાહેરાત બાબતે એમસીએમસી પાસેથી પ્રમાણિકરણ કરાવવાનું રહેશે.
આ અંગે એમસીએમસી કમિટી સમક્ષ અરજી કર્યે જરૂરી મંજૂરી આપવામાં આવશે. પ્રિન્ટ મીડિયામાં મતદાન ના દિવસે અને આગલા દિવસે એમ 48 કલાકના સમયગાળા માટે અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઉમેદવારીના દિવસ કે પછીના દિવસોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની થાય તો આ અંગે માહિતી સહાયક નિયામક અને સભ્ય સચિવ એમસીએમસી, સેવાસદન-2, પોરબંદર ખાતેથી મંજૂરી મેળવવાની રહેશે. અને જાહેરાતનું પ્રમાણીકરણ એમ.સી.એમ.સીમાં કરાવવાનું રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.