કોર્પોરેશન તરફથી આપવામાં આવેલી નોટિસ અને મનાઈહુકમની પણ અવગણના
ભાડૂઆતને ત્રાસ આપવા મકાનમાલીકે શૌચાલય-બાથરૂમ પણ પાડી નાંખ્યા!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં રામનાથપરા શેરી નંબર 4માં લલુડી વોંકળી અને મકાન વચ્ચેની સાંકળી શેરીમાં ઘર નંબર 3066 (જૂના નંબર 2/30)માં ભાડુઆત તરીકે રહેતા અશરફખાન અલીખાન પઠાણે પ્લાન પાસ કરાવ્યા વિના ચાલતા બાંધકામને અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ શાખામાં લેખિત રજૂઆત કરી છે, જે રજૂઆતમાં જણાવ્યું છે કે અમે મહિને 10 રૂપિયાના ભાડાથી અહીં વર્ષોથી રહીએ છીએ પરંતુ મકાનના માલીકે અમે જૂના ભાડુઆત હોવાથી અમારી અનેક જરૂરિયાતની સગવડતાઓને પાડી નાખી છે અને ત્યાં પ્લાન પાસ વગર જ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હોય આ અંગે વારંવાર તે બાંધકામ દૂર કરવા માટેની લેખિત અને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી છે.
આ અગાઉ 19 ઓક્ટોબરના રોજ લેખિત રજૂઆત કરતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટીસ અને મનાઈ હુકમ મકાન માલીકને આપવામાં આવ્યો હતો તેમ છતાં બાંધકામ ચાલુ રહ્યું, ત્યાર બાદ 22 નવેમ્બરે હું ટી.પી. શાખામાં રજૂઆત કરવા ગયો હતો. રજૂઆતને ધ્યાને લઈ કોર્પોરેશનનો સ્ટાફ 25 નવેમ્બરના રોજ સ્થળ પર જઈ બાંધકામ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં મકાન માલીક શનિ-રવિની રજાનો લાભ લઈ બાંધકામ ચાલુ રાખે છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ મકાન માલીક સામે કોર્ટમાં દિવાની કેસ કર્યો છે જેની મુદત 23 ડિસેમ્બર 2024ની છે તેમ છતાં મકાન માલીક ગેરકાયદે બાંધકામ કરી રહ્યા હોય નાછૂટકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને દાવામાં જોડવાની ફરજ પડશે ત્યારે મારી અંતમાં માગ છે કે તાત્કાલિક ધોરણે આ પ્લાન પાસ વિના થતું બાંધકામ અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કડક પગલાં ભરે.
રજૂઆત અને પગલાં
(1) 19 ઓક્ટોબર ટાઉન પ્લાનિંગ શાખામાં રજૂઆત
(2) 22 નવેમ્બર ટાઉન પ્લાનિંગ શાખામાં રજૂઆત
(3) 25 નવેમ્બર કોર્પોરેશનનો સ્ટાફ સ્થળ પર જઈ બાંધકામ બંધ કરવા આદેશ
(4) 23 ડિસેમ્બરે કોર્ટની મુદત.



