ન્યાય યાત્રાનું ફારસ કરીને કોંગ્રેસ પીડિતોને પોતાનો રાજકીય હાથો બનાવવા હવાતિયાં મારી રહી છે: ઉદય કાનગડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે ગત તા. 25મી મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાના હતભાગી થયેલા મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ન્યાય યાત્રાની કહેવાતી સંવેદન સભામાં ભાજપના 50થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના અહેવાલ બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ છે કે પીડિતોને ન્યાય અપાવવા નીકળેલી કોંગ્રેસ પીડિતોના નામે પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી અને ગુજરાતમાં 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે સત્તા વગર બેબાકળી બનેલી કોંગ્રેસ પ્રજાની નજરમાં રહેવા માટે ખોટા હવાતિયાં મારી રહી છે અને અગ્નિકાંડની દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવાના બહાને ભરતી મેળો યોજી રહી છે.
વધુમાં ઉદય કાનગડે જણાવ્યું છે કે ગુજરાતની પ્રજા જાણે છે કે આ જ કોંગ્રેસે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને હાંસિયામાં મૂકી તેમને હળાહળ અન્યાય કર્યો હતો.
દેશવાસીઓનું વર્ષો જૂનું સપનું એવા અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારના શાસનમાં થયું અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ હોય તેમ કોઈ પણ કોંગ્રેસી રામલલ્લાના દર્શન કરી તેને શિશ ઝુકાવવાથી અળગો રહ્યો. આમ પરિવારવાદ અને તૃુષ્ટિકરણની રાજનીતિમાં રાચતી કોંગ્રેસ સત્તા વગર બેબાકળી બની હોય તેમ પ્રજાની નજરમાં રહેવા માટે કોઈ પણ મુદ્દે લીંબડ જશ ખાટવાનો નિષ્ફળ પ્રયાસ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરે છે, પણ પ્રજા જાણે છે કે તુષ્ટિકરણ કરનારાઓ ક્યારેય માનવતાના દુશ્મનો સાથે ઉભા રહેતા અચકાતા નથી. ભારતના છેલ્લા કેટલાક દાયકાઓ એ હકીકતના સાક્ષી છે કે તુષ્ટિકરણ કરનારાઓ ક્યારેય આતંકવાદ અને તેની ક્રૂરતાઓ કે તેની ભયાનકતાઓને જોતા નથી. તેઓ માત્ર વિકાસયાત્રામાં અવરોધ સર્જી રાષ્ટ્રીય એકતાને પલિતો ચાંપવાની મનોવૃત્તિમાં રાચતા હોય છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલી સંવેદન સભામાં ભરતી મેળો ચાલુ કરીને કોંગ્રેસે અગ્નિકાંડ દુર્ઘટનાના પીડિતોની મજાક કરી છે પણ કોઈ પણ સંવેદનશીલ મુદ્દે રાજકીય ફારસ સર્જતી કોંગ્રેસના કરતૂતો પ્રજા સમક્ષ ખુલ્લા પડી ગયા છે અને વિકાસ અને રાષ્ટ્રવાદ જેવા શબ્દોથી બાર ગાઉનું છેટુ ધરાવતી કોંગ્રેસે પ્રજાની ક્યારેય ચિંતા નથી કરી.