પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી પર ધરણાં કરી ભાવ વધારોનો વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ દરમ્યાન કોંગ્રેસના નેતાઓ સોશિયલ ડિસ્ટંસ ભૂલ્યા હતા.
રાજકોટમાં કોંગ્રેસે યોજેલા વિરોધ પ્રદર્શનમાં પક્ષમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવ્યો. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ પૂર્વ વિપક્ષના નેતા વશરામ સાગઠીયા હાજર ન રહ્યા. તાજેતરમાં વિપક્ષના નેતાની વરણીને લઇને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિપક્ષના નેતાના પતિની ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. કોંગ્રેસના વિખવાદ અંગે અગ્રણી હેમાંગ વસાવડાએ જણાવ્યું કે આ મામલે હાઇકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. વિપક્ષના નેતાની વરણી હાઇકમાન્ડે કરી છે. હેમાંગ વસાવડાએ સ્વીકાર્યું કે દરેક પક્ષમાં જૂથવાદ છે એમ કોંગ્રેસમાં પણ જૂથવાદ છે. જૂથવાદને કારણે આજના કાર્યક્રમમાં અમુક નેતાઓ હાજર નથી રહ્યા.
- Advertisement -
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસે ત્રિકોણ બાગ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જો કે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે 30 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોને અટકમાં લીધા હતાં.
સિદ્ધપુર ચાર રસ્તા પાસે કોંગ્રેસની ઑફિસ સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા. જો કે, કોંગ્રેસના ધરણામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડયા હતા. રેલી-સભા પર કલેકટરનો પ્રતિબંધ છતાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ધરણા યોજ્યા હતાં.


