વિપક્ષ બુધવારે સામાન્ય સભામાં હોબાળો કરે તેવી શક્યતા
રેસકોર્સ સ્ટેડિયમથી આવકના નવા સ્ત્રોત ઉભા કરવાના નિર્ણયથી પીચને નુકસાન થવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાંથી કરબોજ દૂર કરવા આવકના નવા સ્તોત્ર રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રેસકોર્સનાં વર્ષો જુના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને ક્રિકેટ સિવાયના હેતુઓ માટે કોમર્શિયલી ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે નિર્ણયનાં કારણે મેરેજ ફંકશન, મ્યુઝિકલ ઇવેન્ટ અને અર્વાચીન રસોત્સવ જેવા કાર્યક્રમો માટે સ્ટેડિયમ ભાડે આપવાથી પીચ અને પેવેલીયનને મોટું નુકસાન થવાની દહેશત કોંગ્રેસે વ્યક્ત કરી છે અને આ નિર્ણય તાત્કાલિક રદ કરવા માગ ઉઠાવી છે. આગામી બુધવારે યોજાનાર જનરલ બોર્ડમાં પણ વિપક્ષ દ્વારા આ મામલે હોબાળો કરવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2025-26નાં મંજુર બજેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખર્ચ બોજને પહોંચી વળવા માટે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટે તેમજ મનપાને આત્મનિર્ભર બનાવવા માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. રેસકોર્સનાં માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન અધ્યતન બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. તો બીજી તરફ સ્ટેડિયમને ક્રિકેટ સિવાય અન્ય રમતગમત ટુર્નામેન્ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડિયારાસ, મ્યુઝિકલ નાઇટ, નવરાત્રિમાં રસોત્સવ જેવા જુદા-જુદા કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે.
માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુઓ માટે ભાડે આપીને અંદાજે રૂ. 1 કરોડની કમાણી કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જોકે આવા કોમર્શિયલ હેતુ માટે સ્ટેડિયમ ભાડે આપવાથી આવક કરતા વધારે નુકસાની થવાની શક્યતા વિચારવામાં આવી નથી. આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટના હેતુ માટે બનાવાયું છે ત્યારે જો આ ગ્રાઉન્ડમાં અન્ય સમારંભો થાય તો ક્રિકેટની પીચ, ગ્રાઉન્ડ, પેવેલિયનમાં મંડપ કે અન્ય માંચડાઓ ફિટ થશે. જેને પગકે ગ્રાઉન્ડમાં ખાડાઓના પગલે ખેલાડીઓને ઈજા થવાની અને ગ્રાઉન્ડમાં નુકસાની થવાની શક્યતા છે. ત્યારે આ નિર્ણય તાત્કાલિક રદ કરવો જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલા બજેટ અંગે આગામી 19 ફેબ્રુઆરીને બુધવારે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે.
- Advertisement -
ત્યારે કોંગ્રેસનાં ચારેય કોર્પોરેટરો દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને ક્રિકેટ સિવાયના હેતુઓ માટે ભાડે આપવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવશે. જેને કારણે શાસક પક્ષ અને વિપક્ષનાં નગરસેવકોની વચ્ચે આ મામલે ઘર્ષણ થવાની પણ પૂરતી શક્યતા છે. આ સિવાય પણ આ બજેટમાંથી આજી રિવરફ્રન્ટ દૂર કરવા સહિતનાં નિર્ણયોને લઈને જનરલ બોર્ડમાં તડાફડી બોલે તેવી પૂરતી શક્યતા છે.