કોંગ્રેસ આગેવાનોએ સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરીને રૂ. 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યાના ખોટા આક્ષેપો કર્યો હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરી સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરીને રૂપિયા 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના ખોટા આક્ષેપો ફરિયાદી નીતિનભાઈ વિરુદ્ધ કરેલ હતા. જેના અનુસંધાને ફરિયાદી નીતિનભાઈએ ઉપરોક્ત તમામ વ્યક્તિઓને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જૂઠાણુ ફેલાવવા બદલ માફી માંગવા જણાવેલ હતું, જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતાં ચારેય કોંગ્રેસના આગેવાનો વિરૂદ્ધ ફરિયાદી નીતિનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
પોતાની ફરિયાદમાં નીતિનભાઈએ જણાવેલ હતું કે તેમ છતાં કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે મિલાપીપણુ કરી, ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે સમાજમાં તેઓની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે જેના હિસાબે રાજકીય કારકિર્દી ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તેઓની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકસાન થયેલ છે.
હાલની ફરિયાદ દાખલ થયા બાદ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરૂદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી તેઓને નામદાર કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો, જે બાદ ઘણી મુદતો વીતી જવા છતાં હાલના આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલ ન હતા. ઘણી મુદતો વીત્યા બાદ ફરિયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂદ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતાં નામદાર કોર્ટે ફરિયાદપક્ષની અરજી મંજૂર કરી તમામ આરોપીઓ સામે વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરેલ હતો. વોરંટના કામે તમામ આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલ હતા. તમામ આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થતાં જ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરૂદ્ધ પ્લી નોંધી કેસ ચલાવવા માટે મુકરર કરેલ હતો.
- Advertisement -
જે અનુસંધાને ઉપરોક્ત ચારેય આરોપીઓ કોર્ટમાં ફરી હાજર થયેલ હતા અને આરોપીઓ વિરૂદ્ધ ચાલવા પર આવતા ચારેય આરોપીઓએ પોતાની સહીઓથી લેખિતમાં ફરિયાદી નીતિનભાઈ બીનશરતી માફી માગતો માફીપત્ર રજૂ કરેલ હતો. જે મુજબ : આ કામના ફરિયાદી નીતિનભાઈ ગણપતરામ ભારદ્વાજનાઓએ અમો તહોમતદારો દીલગીરી વ્યક્ત કરનાર વિરૂદ્ધ બદનક્ષીનો કેસ કરેલ છે, જેની હકીકતોથી અમો નીચે સહી કરનારાઓ સંપૂર્ણપણે વાકેફ છીએ. ગત તા. 22-2-2022ના રોજ અમો તહોમતદાર નં. 1, 2, 3 અને 4નાઓએ ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયથી એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીત કરેલ હતી, જે પ્રેસ કોન્ફરન્સમાં અમોએ ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો ફરિયાદી વિરૂદ્ધ કરેલ હતા તેમજ અમો તહોમતદાર નં. 1નાઓએ તે સમયે વિધાન પક્ષના નેતાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા હોય અને અમારી ફરજના ભાગરૂપે અમોએ ઉપરોક્ત જણાવેલ આક્ષેપોવાળી પ્રેસનોટ જુદા જુદા અખબારોમાં પ્રસારિત કરવા સારૂ આપેલ. અમો તહોમતદાર નં. 1, 2, 3, 4નાઓએ ફરિયાદી વિરૂદ્ધ કરેલ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો હતા જે અમોએ કોઈ આધાર કે પુરાવા વિના કર્યા હતા જે અમારી ભૂલ હતી. અમારા આવા આક્ષેપોથી આ કામના ફરિયાદીની બદનક્ષી થયેલ છે જે બદલ અમો આ કામના ફરિયાદીની બીનશરતી માફી માંગીએ છીએ. ચારેપ આરોપીઓની ઉપરોક્ત મુજબની બીનશરતી માફી માંગતો માફીપત્ર રેકર્ડ પર આવતા નામદાર કોર્ટે ફરિયાદી નીતિનભાઈને તેઓને આરોપીઓએ માંગેલ લેખિત માફી સ્વીકાર્ય છે કે કેમ? તેમજ તેઓ કેસ આગળ ચલાવવા માંગે છે કે કેમ? તે પૂછતાં ફરિયાદી નીતિનભાઈએ આરોપીઓ દ્વારા માંગવામાં આવેલ બીનશરતી માફી સ્વીકારેલ હતી અને માફીપત્રની હકીકત ધ્યાને લઈને કેસ પરત ખેંચવા કોર્ટમાં વિથડ્રો પુરશીષ રજૂ કરેલ હતી તેમજ કોર્ટને કેસ ફાઈલે કરવા વિનંતી કરેલ હતી.
આ કામમાં ફરિયાદી નીતિનભાઈ ભારદ્વાજ તરફે એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, કૃણાલ દવે, ચેતન પુરોહિત વિગેરે રોકાયેલ હતા.