સૌરાષ્ટ્ર માટે હરહંમેશ અથાગ પ્રેમ દાખવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનતા રાજુ ધ્રુવ
શનિવારનો દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ઐતિહાસિક રહ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લાંબા સમય ગાળા બાદ રાજકોટ અને આટકોટની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાએ ફૂલડે વધાવ્યા હતા અને તેમને સાંભળવા અને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પાડીને તેમના પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત કરી હતી. શનિવારનો દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ઐતિહાસિક રહ્યો હતો અને આ દિવસે વડાપ્રધાને સવારે આટકોટમાં અદ્યતન હોસ્પિટલ ખુલ્લી મૂકી હતી તો સાંજે ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં હાજરી આપી હતી. આ બંને કાર્યક્રમોમાં વડાપ્રધાને કરેલા હ્રદયસ્પર્શી ઉદગારોએ પ્રજાને ભાવુક કરી હતી તેમ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે.
આટકોટમાં અદ્યતન હોસ્પિટલનાં ઉદઘાટનનો કાર્યક્રમ દરેક રીતે ઐતિહાસિક રહ્યો હતો તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના મોટાભાગના ગ્રામીણ વિસ્તારો તથા જીલ્લાના લોકોને ઉપયોગી થશે સાથોસાથ લોકોને તબીબી ક્ષેત્રે છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીસભર સારવાર મળશે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સમગ્ર પંથકની પ્રજા, ભાજપનું સંગઠન, પટેલ સેવા સમાજ અને દાતાઓ વગેરેનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો અને કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના છેવાડાનાં માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ અને તબીબી સેવાઓ મળે તે માટે સતત ચિંતા કરતા હોય છે અને આટકોટની હોસ્પિટલ શરૂ થવાથી રાજકોટ ઉપરાંત અમરેલી, ભાવનગર સહિતના જીલ્લાના લોકોને તેનો લાભ મળશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા ઉપાધ્યક્ષ તથા કે.ડી.પી. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઇ બોધરાના માર્ગદર્શન હેઠળ નજીકના જિલ્લાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આગેવાનો મંત્રીશ્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, સમગ્ર વહીવટી તંત્ર, હોસ્પિટલ નિર્માણમાં દાતાઓ, સહયોગીઓ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, સોશિઅલ મીડિયા સમાચાર માધ્યમોના માલિકો, તંત્રીઓ, પત્રકારો, કેમેરામેનો, ફોટોગ્રાફરો તથા અન્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દીપાવ્યો હતો. રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ કાર્યક્રમમાં ભાજપના સંગઠન અને સરકારની પ્રજાલક્ષી કામગીરી અને આત્મીયતાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી પ્રજાજનો- લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એટલું જ નહી આ કાર્યક્રમની સફળતા માટે સતત દોડધામ કરતા રહ્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં તબીબો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલું ભાવનાત્મક પ્રવચન લાખ્ખો લોકોના હ્રદય સુધી પહોંચી ગયુ છે. નરેન્દ્રભાઈએ અસ્સલ કાઠીયાવાડી લહેકામાં વાહ બાપુડી એવો જે ઉદગાર કર્યો હતો તે અવિસ્મરણીય રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર-ગુજરાતને આપેલી સુવિધા અને તેના માધ્યમથી થયેલા વિકાસનો ઉલ્લેખ કરીને સરકાર લોકોનો પડખે છે તેવી પ્રતીતિ કરાવી હતી.