કૉંગ્રેસ કિસાન સેલ અને ઘેડના ખેડૂતોએ કલેકટર કચેરીએ રોષ પ્રગટ કર્યો
રાજ્ય સરકારના તંત્ર સામે રોષ પ્રગટ કરી ખેડૂતોની ન્યાયની માંગ
- Advertisement -
ઘેડ વિકાસ નિગમ ઉભું કરવામાં આવે તેમાં દર વર્ષે બજેટમાંથી ફંડ ફાળવવામાં આવે તેવી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લાના ઘેડના પ્રાણ પ્રશ્ર્નોનું તાત્કાલિક નિરાકરણ આવે, “ઘેડ વિકાસ નિગમ” બનાવવામાં આવે, ચાલુ વર્ષે ઘેડ પંથકમાં થયેલ પાક નુકસાની, જમીન ધોવાણ માટે 500-600 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ઊબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરવામાં આવે તેવી 4 માંગ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં જૂનાગઢ કલેકટર ખાતે આજે ગુજરાત કોંગ્રેસ કિશાન સેલના પ્રમુખ પાલ આંબલીયા અને ઘેડ વિસ્તારના ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું જેમાં હાથમાં પ્લેકાર્ડ સાથે ખેડૂતોએ રજુઆત કરીને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું જેમાં ખેડૂતો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચાર માંગણી સાથે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાના 1 એમ કુલ પાંચ તાલુકાના 65 થી 70 ગામોના અંદાજે બે લાખ 50 હજાર વસ્તી અને અંદાજે 1 લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો આ વિસ્તાર ઘેડ પંથકથી ઓળખાય છે. જેમાંથી ભાદર, વેણુ ઉબેણ ઓઝત સાબલી, ટીલોરી મધુવંતી, છીપરાળી નદીઓ નીકળે છે જે અંદાજે 200 ચોરસ કિલોમીટર વર્ગનું વરસાદી પાણી એકઠુ કરી ઘેડ પંથક મારફતે સમુદ્ર તરફ પસાર થાય છે અને ઘેડ પંથકમાં આ નદીઓ દર વર્ષે કાળો કેર વર્તાવે છે. આ નદીઓના કાળા કહેર ઉપરાંત અહીંના આર એન્ડ બી અને સિંચાઇ વિભાગના ઇજનેરો પોતે નિષ્ઠાથી કામ કરવાના બદલે માત્ર ભષ્ટ્રાચાર કેવી રીતે થાય એ પદ્ધતિથી કામ કરી ઘેડના ઉત્થાન માટે,વિકાસ માટે કોરડો રૂપિયાના બિલો સરકારી ચોપડે ઉધારાય છે પણ ઘેડના લોકોની સ્થિતિ ઠેરની ઠેર જ રહે છે. ઘેડ વિસ્તારના મુખ્ય પાંચ-છ નદીઓ પસાર થાય છે તેની યોગ્ય મરામત, પ્રોટેકશન દીવાલો, તેમના પરના પુલોની ડિીઝનાઇ, નદી દર વર્ષે ઝાળી ઝાંખરાઓ સાફ કરવા વગેરે પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે.
- Advertisement -
નદી ઉડી પહોળી કરવા બિલ કાગળ પર ઉધારાય છે જયા બે-ત્રણ મહિના પાણી ભરાઇ રહે ત્યાં દર વર્ષે ડામર રોડ બનાવાય છે અને દર વર્ષે પાણી ભરાઇ રહેવાના કારણે રોડ તૂટી જાય છે. આ વિસ્તારમાં બનાવવામાં આવતા પુલોની ઉંચાઇનું લેવલ જાળવવુ, પુલમાં રાખવામાં આવતા ગાળાઓ સાંકડા રાખવાના કારણે પુલમાં ઝાળી ઝાંખરાઓ અટાવઇ જતા નદીઓનું બુરાણ થાય અને પુલ ડેમનું કામ કરે છે એટલુ જ નહીં પણ જે પ્રોટેકશન વોલ તૂટી જાય છે. જેના કારણે નદીઓ દર વર્ષે તૂટીને ઓછામાં ઓછા 100-150 ખેડૂતોના ખેતરો નદીમાં ફેરવાય છે અને આ 100-150 જગ્યાએનદી વહેણ બદલવાના કારણે બધા જ ગામોમાં અને ખેતરોમાં નદી પ્રવેશે છે. જેના કારણે આ ખેડૂતોને જમીન ધોવાણ અને પાક નુકશાની દ્વારા ખેડૂતોને પારાવાર નુકશાન થાય છે. આ તૂટેલી નદી પછી સમગ્ર ઘેડમાં ફરી વળે છે. જયારે બીજી તરફ જેતપુર આસપાસના સાડી ઉદ્યોગ દ્વારા કેમિકલ કચરો ઉબેણ ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે જે કેમિકલ યુકત ઝેરી પાણી ખેડૂતોના ખેતરોમાં આવતા જ ઉભો પાક નાશ પામે છે અને ખેડૂતોની જમીન બંજર થાય છે.
અગાઉ 1992 સુધી ઘેડ વિકાસ સમિતિ કાર્યરત હતી
અગાઉ 1992 સુધી સરકાર દ્વારા ઘેડ વિકાસ સમિતિ કાર્યરત હતી તે દર વર્ષે જરૂરી પ્રોટેકશન વોલ બનાવતા, નદી ઉડી પહોળી કરતા, ઝાળી ઝાંખરા સાફ કરતા અને નદીના મુખ્ય પ્રવાહને કોઇ વિક્ષેપ ન આવે તેની પૂરતી કાળજી રાખવામાં આવતી હતી. અગાઉ મંત્રી વિજય મહંત દ્વારા ઓઝાત નદીમાં પાણીના નિકાલ માટે એક આખી નવી જ નદી ખોદાવી ઓઝત નદીને બે ભાગમાં વહેંચી હતી એ જ સમયમાં હેલિકોપ્ટરની મદદથી સરકારી ખર્ચે સમગ્ર ઘેડ વિસ્તારના ધુમ્મડ (દેશી કપાસ) અને ચણાના ખેતરોમાં સામુહિક દવાઓ છંટકાવ પણ કરવામાં આવતો હતો. આમ ઘેડ વિકાસ સમિતિને ફરી કાર્યવંતિત કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.