ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા લક્ષ્ય શ્રેણી અંતર્ગત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ અને પોલિટી વિષય પર નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ આઈ.એ.એસ. સ્ટડીઝ સેન્ટરના કોર્સ કો-ઓર્ડિનેટર શ્રી જયરાજ યાદવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહો, ભારતીય બંધારણના મહત્વના મુદ્દાઓ, અભ્યાસની સચોટ પદ્ધતિ અને સમયના આયોજન વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. યુનિવર્સિટીના સેમિનાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની મુંઝવણોનું નિરાકરણ મેળવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ પ્રકારના આયોજનને કારકિર્દી ઘડતર માટે અત્યંત ઉપયોગી ગણાવી યુનિવર્સિટીનો આભાર માન્યો હતો. યુનિવર્સિટીના વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કારકિર્દીને પ્રોત્સાહન મળે તે હેતુથી આવા શૈક્ષણિક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે. જયારે વિભાગીય વડા પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ વિષય નિષ્ણાતનો પરિચય આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પરાગ દેવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.



