5836 કિલો ઝીંકની ઉચાપત અંગે માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ
ચોરી પકડાયા બાદ કહ્યું, હું બધુ ચૂકતે કરી દઇશ, પછી ફોન બંધ કરી દેતા ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ કંપનીના કર્મચારીએ સાત મહિનામાં 24.80 લાખનું 5836 કિલો ઝીંક બારોબર વેચી નાખી ઉચાપત કરતાં માલિકે કર્મચારી સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના રણછોડનગર સોસાયટીમાં અને 80 ફૂટ રોડ આજી વસાહતમાં એલટેક હાર્ડવેર નામની હાર્ડવેરની મેન્યુફેક્ચરીંગની પેઢી ધરાવતા કારખાનેદાર જગદિશભાઈ ચતુરભાઈ લુણાગરીયા ઉ.40એ કંપનીના કર્મચારી હેમંતભાઈ મનસુખભાઈ સાગઠીયા સામે 24.80 લાખની ઉચાપત અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પેઢીમાં મારા કૌટુંબિક ભાઇઓ અલ્પેશભાઈ કાંતિભાઈ લુણાગરીયા, નલીનભાઈ કાંતિભાઈ લુણાગરીયા 50 ટકા ભાગીદારી ધરાવે છે આ પેઢી અમે 2012થી ચલાવીએ છીએ અને ઝીંક મેટલના દરવાજાના હેન્ડલનું મેન્યુફેક્ચરીંગ કરી ગુજરાત તથા રાજ્યની બહાર ઓર્ડર મુજબ મોકલી આપીએ છીએ. અહીં પરમેનેન્ટ કામ કરતા 6 કારીગરો છે જેમાં વિપુલભાઈ મીઠાભાઈ ભાલાળા, જયદિપભાઈ જયરાજભાઈ દોમડીયા હેમંતભાઈ મનસુખભાઈ સાગઠીયા, સાહીલભાઈ અનિલભાઇ રૈયાણી, નિલેશભાઇ રાજેશભાઇ પનારા અને ધવલભાઇ શાંતિભાઇ લુણાગરીયાનો સમાવેશ થાય છે આ સિવાય 15 રોજમદાર મહીલાઓ કામ કરે છે. પેઢીમાં અમે ઝીંક ધાતુનો કાચો માલ મંગાવી મેન્યુફેક્ચરીંગ કરી દરવાજાના અલગ-અલગ ડિઝાઇન બનાવીએ છીએ અને દર વર્ષે માર્ચ મહીનામાં હિસાબ કરીએ છીએ 2024નો હિસાબ માર્ચમાં કરતા અમારો હિસાબ બરાબર આવેલ. દિવાળીના તહેવાર પહેલા પેઢીનો કાચો હિસાબ કરતા ઝીંક ધાતુનો કાચો માલ આશરે 4862 કિ.ગ્રા. જેની આશરે કિ.રૂ.17,98,940 તથા મેન્યુફેક્ચરીંગ કરેલ માલ આશરે 974 કિ.ગ્રા. જેની આશરે કિં.રૂ.6,81,800 એમ કાચો તથા મેન્યુફેક્ચરીંગ કરેલ ફૂલ માલ આશરે 5836 કિ.ગ્રા. જે ની આશરે કિ.રૂ.24,80, 740ની ઘટ આવેલ હતી.
જેથી અમે ભાગીદારોએ પેઢીમાં કામ કરતા પરમેનેન્ટ કારીગરો અને રોજમદાર તરીકે કામ કરતા કારીગરો ઉપર નજર રાખવાનું શરૂ કરેલ. અમને જાણવા મળેલ કે પરમેનેન્ટ તરીકે કામ કરતા કારીગર હેમંત સાગઠીયા ગઇ તા.27/10/2024 ના રોજ અમારી પેઢીમાંથી આશરે દસ કા પંદર ટ્રે ભરીને મેન્યુફેક્ચરીંગ કરેલ માલ લઈને બહાર જતો હતો. તેની સાથે રોજમદાર તરીકે કામ કરતો મુકેશકુમાર બંસરાજ સરોજ હતો. બંને જી.જે. 03. એમ.કે. 6718 નંબરના એક્સેસ સ્કૂટરમાં બેસીને બહાર જતા હતા.તે માલ કોને આપવા ગયેલ છે તેની અમે તપાસ કરી. રાજકોટમાં જ્યાં જ્યાં અમે માલ આપીએ છીએ તે લોકોને ફોન કરી પુછેલ. પણ કોઈએ માલ આવ્યો હોય તેવી ખરાઈ કરી નહોતી. જેથી અમે પહેલા કારીગર મુકેશ સરોજને પુછેલ. તેણે કહ્યું કે, આપણી પેઢીની પાછળની શેરીમાં જે મટીરીયલ ઓગાળવાની ભઠ્ઠી છે ત્યાં ગયા હતા. માલ તે ભઠ્ઠી વાળાને આપેલ હતો પછી અમે મુકેશને લઈ શિવ મેટલ નામની ભઠ્ઠીમાં ગયેલ. ત્યાં જોયુ તો અમારી પેઢીમાં જે મેન્યુફેક્ચરીંગ માલ થાય છે તે બાચકામાં ભરેલ હતું. બાકીનુ ઓગાળી નાખેલ હતું. જેથી અમે શિવ મેટલ ચલાવતા બકુલભાઇને કહેલ કે આ અમારી પેઢીનો માલ તમારી પાસે ક્યાંથી આવ્યો તો તેને અમને કહેલ કે તમારી પેઢીમાં નોકરી કરતો હેમંત સાગઠીયા મને સાત મહીનાથી આ રીતે માલ આપી જાય છે. શિવ મેટલમાં રહેલ અમારી પેઢીનું મેન્યુફેક્ચરીંગ થયેલ આશરે 35 કિ.ગ્રા. જેટલો માલ પરત લાવેલ હતા હેમંત કારખાનેથી જતો રહ્યો હતો.
તેને કોલ કરતા તેણે જણાવેલ કે મારી ભૂલ થઈ ગઈ હું બધો હિસાબ અને નુકસાન ચૂકતે કરી દઈશ. તેમના ઘરે જતા તેમના પિતાએ પણ પોલીસ ફરિયાદ ન કરતા હિસાબ કરી આપીશું તેમ કહ્યું હતું. પણ દિવાળીની રજાઓ બાદ ફોન કરતા હેમંતનો ફોન બંધ આવેલો. તેમના પિતાએ ફોન પર કહ્યું હતું કે હવે અમે કંઈ નહીં આપીએ. તમારે પોલીસ કેસ કરવો હોય તો કરી દયો. જેથી ફરિયાદ નોંધાવી છે.



