14 કલાકમાં રથયાત્રા શહેરના 17.5 કિલોમીટરના માર્ગ પર ફરશે
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરમાં આજે દેશમાં ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રાનો શહેરના સુભાષનગર ખાતેના ભગવાનેશ્ર્વર મંદિરેથી વિધિવત પ્રારંભ થયો હતો.”છેડાપોરા” અને “પહિન્દ” વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું, આ પ્રસ્થાન વેળાએ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધરીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા સંતો-મહંતો સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું,
- Advertisement -
આ રથયાત્રા 14 કલાકના સમય દરમ્યાન ભાવનગર શહેરના 17.5 કિમીના નિયત રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરશે. ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્ર્વર મંદિર ખાતે આજે વહેલી સવારે 6 વાગે રથયાત્રા પૂર્વેની પરંપરાગત પૂજનવિધિ કરવામાં આવી હતી, ત્યારે બાદ ભગવાન જગન્નાથજી અને મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની પ્રતિમાઓની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી તેની રથ પર સ્થાપના કરી હતી.
ત્યારબાદ સંતો, મહંતોના વરદ હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સોનાના સાવરણાથી છેડાપોરા વિધિ અને પહિન્દ વિધી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, માજી સૈનિક સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીના રથને સલામી આપી હતી, ત્યારબાદ પરંપરાગત રીતે ભોય સમાજના યુવકો દ્વારા દોરડાથી ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મહારાજા સાથે રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. આ ઉપરાંત આ રથયાત્રાની સાથે હાથી, ઘોડા તથા વિવિધ ફ્લોટથી સજ્જ ટ્રકો જોડાયા હતા.
રથાયાત્રામાં 3 ટન ચણાની પ્રસાદી
જ્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ રથયાત્રામાં ચણાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રસાદી રૂપે 3 ટન ચણાનો પ્રસાદ ભક્તોને વેચવામાં આવી રહ્યો છે, તેમજ રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પાણી-સરબત વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.