જગદીપ એમ જોશી
– ચેરમેન
યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટ
પરમહંસ યોગાનંદજીનું બાળપણનું નામ મુકુંદલાલ ઘોષ હતું. તેમનો જન્મ 5મી જાન્યુઆરી 1893ના રોજ ભારતના ગોરખપુરમાં એક ધનાઢય અને ધર્મપરાયણ બંગાળી પરિવારમાં થયો હતો. તેઓની નિકટના દરેક વ્યક્તિને એ વાતની ખાત્રી થઈ ગઈ હતી કે તેઓની ચેતના અને આધ્યાત્મિક અનુભવો સામાન્ય વ્યક્તિ માટે સહજ ન હતા. યુવાવસ્થામાં જ તેઓ ભારતના એવા મહાન સંતો અને તત્વજ્ઞાનીઓના સંપર્કમાં આવ્યા હતા કે જેઓ તેમની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષી શકે. 1910ના વર્ષમાં માત્ર 17 વર્ષની ઉંમરે તેઓની મુલાકાત ઈશ્વરતુલ્ય સંત શ્રીયુકતેશ્વરગીરી સાથે થઈ હતી. તેઓના આશ્રમમાં યોગાનંદજીએ યોગસાધનામાં પોતાના જીવનના અમૂલ્ય દસ વર્ષ વિતાવ્યા હતા. વર્ષ 1915માં કલકત્તા વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ’સ્વામી’ પદ પ્રાપ્ત કરી અને વિધિવત સન્યાસી બન્યા અને યોગાનંદ (યોગ દ્વારા આનંદ) નામ ધારણ કર્યુ.
- Advertisement -
યોગાનંદજીએ પોતાના જીવન કાર્યની શરૂઆત 1917માં એક શાળાની સ્થાપના દ્વારા કરી જે શાળા ’જીવન કેવી રીતે જીવવું જોઈએ’ના સિદ્ધાંત આધારિત છે. આ શાળામાં આધુનિક શિક્ષણ પધ્ધતિ, યોગની તાલીમ અને આધ્યાત્મિક આદર્શનો સંગમ હતો. આ શાળા પાછળથી ’યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા’ (YSS) બની. આ સંસ્થા યોગાનંદજી દ્વારા 1920માં સ્થપાયેલ સંસ્થા ’સેલ્ફ રીએલાઈસેશન ફેલોશિપ’ (SRF)ના આંતરરાષ્ટ્રીય મુખ્યમથક લોસએન્જેલસ અમેરિકાની ભારતીય શાખા છે.
અમેરિકામાં પરમહંસ યોગનંદજીએ પોતાના યોગજ્ઞાનને અપૂર્વ જુસ્સા અને સચોટતાપૂર્વક રજૂ કર્યું કે જેથી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પશ્ચિમના લોકો સ્વીકૃતિ પામે. આ દિવ્ય જ્ઞાન વડે ઘણા લોકો ઈશ્વરના સાનિધ્યમાં આવ્યા. યોગાનંદે પૂર્વના યોગ વિજ્ઞાનને પશ્ચિમ જગતમાં એવી રીતે ફેલાવ્યું કે જેથી તેઓને ખરા અર્થમાં પશ્ચિમમાં યોગ વિજ્ઞાનની શરૂઆત કરાવનાર એવા પશ્ચિમના યોગ ગુરુ કહેવામાં આવે છે. આ માટે તેમનું મહત્ત્વનું અને આધારભૂત યોગદાન રહ્યું છે.
પરમહંસ યોગાનંદજી દ્વારા યોગ વર્ગોમાં તેમના શિષ્યોને આપવામાં આવેલાં વ્યક્તિગત માર્ગદર્શન અને ધ્યાનની પદ્ધતિઓને જિજ્ઞાસુઓના ગૃહ અભ્યાસ માટે શ્રેણીબધ્ધ પાઠમાળાના પાઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પાઠોમાં શ્રી યોગાનંદજીએ શીખવેલાં આધ્યાત્મિક જીવન જીવવાની કળા અને ક્રિયાયોગ પરની ધ્યાનની પદ્ધતિઓ બતાવવામાં આવેલી છે.
- Advertisement -
આજે પરમહંસ યોગાનંદજીની સંસ્થા વાયએસએસ / એસઆરએફ વટવૃક્ષ બની છે અને સમગ્ર વિશ્વમાં 500થી વધુ મંદિરો, ધ્યાન કેન્દ્રો, આશ્રમો અને ધ્યાન મંડળીઓ ધરાવે છે. પરમહંસ યોગાનંદજીનું વિશ્વમાં સૌથી વધુ વેચાતું આધ્યાત્મિક પુસ્તક ’યોગી કથામૃત’ – એક યોગીની આત્મકથા વિશ્વની 50થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ બન્યું છે. 75 વર્ષથી વિશ્વને સતત આધ્યાત્મિક યોગનો પરિચય કરાવી રહ્યું છે. માનવ સેવાના આદર્શોને અગ્રીમતા આપી ઢજજ દ્વારા અત્યારે સમાજના ઉત્કર્ષ માટે અસંખ્ય શૈક્ષણિક અને દાન આધારિત સંસ્થાઓ કાર્યરત છે.
7મી માર્ચ 1952ના રોજ લોસએન્જેલસ, કેલિફોર્નિયામાં ભારતીય રાજદૂત શ્રી વિનય રંજન સેનના સન્માનમાં આયોજિત પ્રીતિ ભોજ પ્રસંગે યોગાનંદજીએ એક યાદગાર અને ઈશ્વરાભિમુખ પ્રવચન આપ્યું અને ત્યારબાદ મહાસમાધિમાં પ્રવેશી ઈશ્વર સાથે એકાકાર થઈ ગયા. તેઓની મહાસમાધિના સમાચારને પ્રખ્યાત અખબારો જેવા કે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ લોસએંજલીસ ટાઈમ્સ અને ટાઇમ મેગેઝીને વિશેષ સ્થાન આપી પ્રસિદ્ધ કર્યા હતાં. શ્રી હેરી ટી રોવ જેઓ લોસ એન્જેલસના ફોરેસ્ટ લોન મેમોરિયલ પાર્કના શબગૃહનાં ડિરેક્ટર હતા, અહીં યોગાનંદજીનું પાર્થિવ શરીર અંતિમક્રિયા પૂર્વે થોડા દિવસો રાખવામાં આવ્યું હતું. તેમણે નોટરી દ્વારા પ્રમાણિત કરેલ એક પત્ર મોકલ્યો હતો તેનો સાર એ મુજબ છે કે, “પરમહંસ યોગાનંદજીના મૃત શરીરમાં વિકારના કોઈપણ દેખીતા લક્ષણો જણાયા નથી. એ અમારા અનુભવનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ તેમના શરીરમાં કોઇ વિક્રિયતા જણાઈ નથી.”
વર્ષ 1977માં શ્રી પરમહંસ યોગાનંદજીની મહાસમાધિની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારે તેઓના સંમાનાર્થે અને તેઓએ માનવતાના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કરેલા અપૂર્વ યોગદાન બદલ ટપાલ ટિકિટ પ્રસિધ્ધ કરી હતી. આ ઉપરાંત માર્ચ 2017માં યોગદા સત્સંગ સોસાયટીની સ્થાપનાની શતાબ્દી પ્રસંગે સંસ્થાની અભૂતપૂર્વ આધ્યાત્મિક સિદ્ધિઓને બિરદાવવા ભારત સરકારે બીજી ટપાલ ટિકિટ પણ પ્રસિધ્ધ કરી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 7મી માર્ચ 2017ના રોજ ’વિજ્ઞાન ભવન’ નવી દિલ્હી ખાતે આ ટપાલ ટિકિટનું લોકાર્પણ કરતા જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીના જીવન પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે તેઓએ બાહ્ય સ્વતંત્રતા તરફ ભાર ન આપતા આંતરિક યાત્રા તરફ ધ્યાન કેન્દ્રિત કરેલ હતું. જડ માન્યતાઓને દૂર કરી તેઓએ આધ્યાત્મિકતાને સહજ ઉપલબ્ધ અને જીવન પરિવર્તનશીલ બનાવી જે સો વર્ષમાં તેમણે શરૂ કરેલ કાર્ય વૈશ્વિક ચળવળ અને નિરંતર આધ્યાત્મિક સમજનો સ્ત્રોત બની ગયું છે. તેઓની 125મી વર્ષગાંઠ પ્રસંગે ભારત સરકારે શ્રી પરમહંસ યોગાનંદજીને શ્રદ્ધાંજલિ પાઠવતા રૂપિયા 125નો સિક્કો લોકાર્પિત કર્યો હતો. આ સમારોહ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનના પ્રમુખ પદે નવી દિલ્હીના કેન્દ્રીય સચિવાલય ખાતે 29મી ઓક્ટોબર 2019ના રોજ યોજાયેલ હતો.
પરમહંસ યોગનંદજીએ પોતાના સમગ્ર જીવનને પૂર્વ-પશ્ચિમની એકતા માટે તેમજ વ્યક્તિનું ઈશ્વર સાથે ઐક્ય સાધી શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા માટે સમર્પિત કરેલ હતું. યોગાનંદજી એ પોતાની આત્મકથા ’યોગી કથામૃત’ – એક યોગીની આત્મકથામાં કહ્યું છે કે ’વિશ્વ બંધુત્વ’ એક મહાન વિચાર છે, પરંતુ માણસે પોતાની સહાનુભૂતિને વિસ્તારીને પોતાની જાતને વિશ્વમાનવ સ્વરૂપે વિકસાવવાની છે. તેઓ કે જે સાચી રીતે જાણે છે કે આ મારુ અમેરિકા, મારુ ભારત, મારુ ફિલિપાઇન્સ, મારું યુરોપ, મારું આફ્રિકા વગેરે માટે સુખી અને ઉન્નત જીવનની તક ક્યારેક ઓછી નહીં હોય. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે YSS દ્વારા ત્રિદીવસીય ઓનલાઇન કાર્યક્રમોનું આયોજન કરેલ છે, જેમાં યોગ આધ્યાત્મના પરિચય સાથે એક યોગીની આત્મકથા પુસ્તકની Free EBook આપવામાં આવશે. વધુ માહિતી માટે yssi.org/Yoga-Eng વેબસાઈટની મુલાકાત લેવી.