ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેકટર રચિત રાજે વધુ એક નવીન પહેલ કરી છે વહીવટી તંત્રને સિટિઝન સેન્ટ્રિક બનાવવા અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની સાથે કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણની યોજનાઓનું લાભ આપવા માટે કલેક્ટર આપને દ્વાર કાર્યક્રમ શરૂ કર્યો છે. મેંદરડા તાલુકાના હરીપુર અને ભાલછેલ ગામની મુલાકાત લઈ પ્રારંભ કર્યો છે અહીંયા તેમણે ત્રણ પરિવારો સાથે મુલાકાત કરી, તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન કલેક્ટરશ્રીએ તેમના રોજિંદા જીવન અને વ્યવસાય વિશે પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી. સાથે જ વિવિધ જનકલ્યાણ કારી યોજનાઓ અને તેના લાભો કેવી રીતે મેળવી શકે તેની પણ જાણકારી આપી હતી.આ ત્રણ પરિવાર પૈકી એક પરિવારના મહિલાના પુત્ર દિવ્યાંગ હોવાથી કોઈ રોજગારલક્ષી કામ ન કરી શકતા હોવાથી કલેક્ટરે દિવ્યાંગ સહાય યોજનાની જાણકારી આપવાની સાથે આ યોજનાનો લાભ આપવાની પણ ખાતરી આપી હતી.મોંઘીબેન નામના એક વરિષ્ઠ નાગરિકને પિંકકાર્ડ અને ગ્રે કાર્ડ યોજનાની જાણકારી આપવાની સાથે તેના લાભો વિશે પણ જણાવ્યું હતું.આ મુલાકાતો દરમિયાન દારૂ, ધૂમ્રપાન સહિતના વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન જીવવા માટે પણ અપીલ કરી હતી. આ સાથે પર્યાવરણ માટે હાનિકારક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટે પણ લોકોને શપથ લેવડાવ્યા હતા.
કલેકટર આપના દ્વાર કાર્યક્રમ શરૂ: મેંદરડાના હરીપુર અને ભાલછેલ ગામની મુલાકાત લીધી
