પ્રિય જિંદગી,
જિજીવિષાનું બીજું નામ ધોધમાર ઝંખના છે અને મારી ઝંખના એટલે તું. હું સતત તને શ્વસુ છું… તારામાં ધબકું છું. જિંદગી! તું મારી અંત્યેષ્ટિમાંથી ઊઠતી રાખની પવિત્ર ધૂમ્રસેર છે જેની એક રજથી હું પુન: જીવિત થઈ જાઉં છું. તારા નામની માળા મારી આંતરચેતનાને પાવન કરી ફરી ફરી મને પવિત્ર બનાવી રહી છે. ઈશ્વરની અનુભૂતિ કેવી હોય એ કોઈ પૂછે તો હું ગમે તે ક્ષણે તારી સામે આંગળી ચીંધી બતાવીશ કારણ કે તારામાં મને સમગ્ર વિશ્વના દર્શન થયાં કરે છે. જિંદગી! તું મારી જીવનકિતાબનું ખૂબ જ મહત્વપૂર્ણ મુખપૃષ્ઠ છે. તારા ઉપસેલા ગાલ પર મારી દાઢીના વાળ અડાડી તને ગલીપચી કરાવી હું રાજી થાઉં છું. તારી દરેક અદાને મેં કંઠસ્થ કરી છે એમ કહેવા કરતાં એમ કહીશ કે મેં એ બધી જ અદાને હૈયામાં ભરી લીધી છે. તારી દરેક હરકતો મારા માટે આનંદક્ષણો બની જાય છે. જ્યારે તું બહુ જ ખુશ હોય ત્યારે તારો આ પ્રેમી અંદર બહારથી ફૂલ્યો સમાતો નથી. તું જ્યારે મારા માથામાં તેલ ઘસે છે ત્યારે તારી આંગળીઓની મધુરતા છેક પગના તળિયા સુઘી અનુભવાય છે. તારી આંગળીઓના વેઢાં અને નખ વચ્ચેની ખાલી જગ્યામાં પણ હું પ્રેમની નટખટ, નમણી ક્ષણ શોધી લઉં છું. એ જ કારણે મને તારા અસ્તિત્વની સાથે અને આસપાસ રહેલી કે જોડાયેલી દરેક જડ – ચેતન વસ્તુઓ સાથે આત્મિય લગાવ છે. તારા બંને પગના અંગૂઠાઓ સાથે ગોઠડી માંડતા હું ધરાતો જ નથી કેમ કે એ બન્ને જણ મારાં સ્વજન છે. તારું નખશિખ અબ્ર મોહક વ્યક્તિત્વ મને મળેલી ભગવાનની એવી અમૂલ્ય ભેટ છે કે જેને અનુભવવી કે દર્શન કરવા એ એક લહાવો છે.
હું પૂર્ણ શ્રદ્ધાથી તારામાં ઓતપ્રોત છું અને મારી સમર્પણવૃત્તિ હવે દેવવૃત્તિ બની ગઈ છે. તારી આજુબાજુ આસપાસ જાણે તેજ વલયો ઘૂમી રહ્યાં છે અને એનો પ્રકાશ મારાં અસ્તિત્વને અજવાળી રહ્યો છે. તારા હૃદયસરોવરમાં હું ભીંજાઈ રહ્યો છું અને મને ભરપૂર જીવી રહ્યો છું. જિંદગી! તું મારાં જીવતરની પૂંજી છે. શ્વાસની આવન જાવનમાં એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે મારું જીવવું સાચે જ મહાન ઉત્સવ બની ગયું છે. હું પૂર્ણપણે તારો છું, તને જ શ્વસુ છું અને જીવું છું. દુનિયા માટે તને લખેલો પત્ર સાવ સામાન્ય હશે પણ મારા માટે તો પ્રેમની અનુભૂતિ અને તેના પ્રગટીકરણનું પ્રબળ ઠેકાણું છે. જિંદગી! તું મારા આત્માનો ખોરાક છે અને જીવની ગતિનું એકમાત્ર સ્થાન છે. મારા દિલના દરેક સ્પંદનમાં તું વસીને મને ધન્યતાનો અનુભવ કરાવી રહી છે. મારી પાસે ઢગલો વિસ્મયો પડ્યાં છે એમાંથી હર ક્ષણે તું નવા નવા વિસ્મયો મારી આંખમાં આંજી દે છે. હું અંદરથી હરખે ભરાઈ જાઉં છું. તું મારા શ્વાસના સરવાળા કરવા તત્પર છે, હું પ્રેમની ચાદર પાથરી તારી ધૂનમાં લીન છું. આંખો આગળ તારો ચહેરો તરવરે છે, હૃદયમાં તારા નામનું તોફાન ઊછાળા મારે છે. રોમે રોમમાં તારો કેફ ચડી રહયો છે અને આપણાં ઘરમાં વૃંદાવનની ધન્યતા ફેલાયેલી છે. રાતના અંધારામાં બારી બહાર નજર કરતાં સામેના ઝાડ પર વડવાગોળ આવી ઉલટું લટકી જાય છે. જાણે એ વડવાગોળ મને મારી જ પ્રતિકૃતિ લાગે છે. હું ઘરે આવી જે રીતે તને વળગી પડું છું એ વળગણ અને વડવાગોળના વળગણમાં સમાનતા છે કારણ કે તું મારું જીવનવૃક્ષ છે… મારો આધાર છે…
ફક્ત તને જ શ્વસતો…
જીવ.
(શીર્ષકપંકિત:- દર્શક આચાર્ય)