ટેન્ડર બહાર પાડવા તેમજ બિલ ક્લિયર કરવા માટે રવિવારે કર્મચારીઓમાં દોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
લોકશાહીની ચૂંટણીને લઈને હવે દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પાસે બે બે પડકાર આવીને ઊભા રહી ગયા છે. એક તરફ માર્ચ માસ હોવાથી વર્ષના હિસાબો અને ચૂકવણા કરવાના હોય અને તેમાં રાત-દિવસ કચેરી ચાલુ રાખે ત્ચારે માંડ 31 માર્ચે હિસાબો પૂરા થાય છે. તેવા સમયે કોઇપણ દિવસે આચારસંહિતા લાગુ થવાના ભણકારા હોવાથી કામોની પતાવટ માટે દોડાદોડી ચાલી રહી છે.
- Advertisement -
રાજકોટ મનપાની કચેરીમાં માર્ચ માસમાં ભારે ધમધમાટ ચાલતો હોય છે કારણ કે, ચાલુ વર્ષનું રિવાઈઝ બજેટ મુજબ આર્થિક બાબતો જોવી પડે અને સાથે સાથે આગામી વર્ષના પણ આયોજન સાથે ચાલુ કરવાના હોય છે. સરકારમાંથી સમયસર ગ્રાન્ટ મેળવીને કોન્ટ્રાક્ટરથી માંડી પગારના ચૂકવણા થતા હોય છે. પણ, આ જ સમયે આચારસંહિતા પણ ગમે ત્યારે લાગી શકે છે તેથી મનપાના અધિકારીઓ પર કચેરીની કામગીરી તે ઉપરાંત પદાધિકારીઓના કાર્યક્રમો પર જોર લગાવી રહ્યા છે.
પદાધિકારીઓ વધુમાં વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ બેઠકો બોલાવીને આચારસંહિતા પહેલાં પતાવટ કરવા અધિકારીઓને દોડાવ્યા હતા અને તેના ભાગરૂપે જ એક જ દિવસમાં જનરલ બોર્ડ, સ્ટેન્ડિંગની બેઠક તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો હતો. 12 તારીખ બાદ આચારસંહિતા લાગશે તેવી શક્યતા લાગતા અધિકારીઓ પર કોન્ટ્રાક્ટરોએ દબાણ વધાર્યુ છે કારણ કે, મોટા ચૂકવણા આચારસંહિતા પર થંભાવી દેવાય છે.