લોકોમાં ચિંતા, તણાવ, નિરાશા, આત્મઘાતી વ્યવહારનું પ્રમાણ વધ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ક્લાઈમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન અત્યાર સુધી પર્યાવરણના સંદર્ભમાં જોખમી છે તેમ અત્યાર સુધી માનવામાં આવતું હતું, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના એક તાજા અહેવાલ મુજબ ક્લાઈમેટ ચેન્જ લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની રહ્યું છે. તેનાથી ચિંતા, અવસાદ, નિરાશા, આત્મઘાતી વ્યવહારનું પ્રમાણ વધ્યું છે. પરિણામે ડબલ્યુએચઓએ બધા દેશોને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની તેમની રાષ્ટ્રીય યોજનાઓમાં હવે માનસિક સ્વાસ્થ્ય માટે મદદનો પણ સમાવેશ કરવા કહ્યું છે અને આ માટે નવી પોલિસી પણ રજૂ કરી છે. જળવાયુ પરિવર્તન લોકોના માનસિક સ્વાસ્થ્ય અને રહેણી-કરણી પર ગંભીર જોખમ પેદા કરે છે તેમ ’હૂ’એ કહ્યું છે. જળવાયુ પરિવર્તનના નામ પર વિશ્વભરમાં પરિસંવાદો થતા રહે છે પરંતુ, હવે આ માત્ર કૃષિ પાક કે પ્રાકૃતિક, ભૌતિક સંપત્તિનો વિનાશ કરનાર જ નહીં બલ્કે હવે સમસ્ત જનસમુદાયનું માનસિક આરોગ્ય કથળાવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ક્લાઈમેટ ચેન્જથી લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ગણાવીને આ અંગે સ્ટોકહોમ 50 કોન્ફરન્સમાં નવી પોલિસી રજૂ કરી છે.
ક્લાઈમેટ ચેન્જ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યું હોવા અંગે ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી)ના ફેબુ્રઆરીમાં પ્રકાશિત એક રિપોર્ટમાં પણ જણાવાયું હતું. આ એજન્સી દેશોને ક્લાઈમેટ ચેન્જ અંગેની નીતિઓ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડે છે. આઈપીસીસીના અભ્યાસમાં જણાવાયું છે કે ઝડપથી થઈ રહેલું ક્લાઈમેટ ચેન્જ માનસિક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાાનિક રહેણી-કરણી માટે જોખમ વધારી રહ્યું છે, જેમાં ભાવનાત્મક દબાણથી લઈને ચિંતા, અવસાદ, નિરાશા અને આત્મઘાતી વ્યવહાર જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.